સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરઃ કાલવડમાં 11 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘમહેર ચાલુ છે. રાજ્યમાં અનરાધાર વરસી રહેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયાં છે. રાજ્યના નદી-નાળા અને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.  અનેક રાજ્યમાં સવારથી અત્યાર સુધી 203 તાલુકામાં વધુમાં વધુ 11 ઈંચ અને ઓછામાં ઓછો એક ઈંચ વરસાદ પડ્યો છે. જામનગરના કાલાવડમાં બે કલાકમાં ચાર ઈંચ અને  કુલ 11 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટના પડધરીમાં ચાર ઈંચ, ધ્રોલમાં ચાર ઈંચ, ભચાઉ અને ખંભાળિયામાં પોણા ચાર ઈંચ અને લાલપુર-જામનગરમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજકોટમાં પણ મુશળધાર વરસાદ

રાજકોટમાં પણ મુશળધાર વરસાદને પગલે આજી-3ના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે જળાશયોમા નવા નીરની આવક થતાં આજી-3ના 15 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે, જેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે.  રાજકોટ-જામનગર રોડ પર આવેલા ન્યારી -બે જળાશય છલોછલ થયો હતો, જેથી ડેમના બે દરવાજા ખોલવા પડ્યા છે. રાજકોટના પડધરીમાં 113 મિમી અને રાજકોટ શહેરમાં 104 મિમી વરસાદ ખાબક્યો હતો.

ગીરસોમનાથમાં છેલ્લા 12 કલાકથી ધોધમાર વરસાદ

ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા 12 કલાકથી થયેલા ધોધમાર વરસાદના કારણે રાવલ ડેમ પણ ઓવરફ્લો થયો છે, આ સાથે ગીર-સોમનાથમાં ઉનાના બે ગામને જોડતો બ્રિજ પર પણ પાણી ફરી વળ્યાં છે. સંખેડા અને દુધાળા ગામને જોડતાં બ્રિજ પર રાવલ નદીનાં પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો. આ ઉપરાંત રાવલ નદીમાં પૂર જેવી સ્થિતિને કારણે માણેકપુર ગામ સંપર્કવિહોણું બન્યું હતું.

હિરણ નદી ગાંડીતૂર બની

અમરેલીમાં ભીમચાસના મંદિર પાસે હિરણ નદી ગાંડીતૂર બની છે. ધારીથી તુલસીશ્યામ-ઉના-દીવ જતો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. આ હાઇવે પર હિરણ નદીનાં પાણી ફરી વળ્યાં છે. અમરેલીના ગોખરવાળા નજીક શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. અમરેલીના જાફરાબાદમાં 65 મિમી, મોરબીના ટંકારામાં 64 મિમી વરસાદ પડ્યો છે.

જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પછી જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું છે. કાલાવડમાં સોમવારે સાંજે બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો અને સવારના 6થી સાંજના ચાર વાગ્યા સુધી 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ પહેલાં રવિવારે ખંભાળિયામાં રવિવારે સાંબેલાધાર વરસાદ થયો હતો. ખંભાળિયામાં બે કલાકમાં જ 12 ઇંચ વરસાદ વરસ્યો હતો. અહીં આઠ કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસતાં શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં.

સાત ડેમો ઓવરફ્લો

જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સાત ડેમ ઓવરફ્લો થયા હતા. જિલ્લાના વોડીસંગ, ફુલઝર-1, વાગડિયા, સોરઠી ડેમ છલકાઈ ગયો હતો. જ્યારે ઊંડ-1, ઊંમડ-3 અને આજી-3 પણ ઓવરફ્લો થયો હતો.

પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ

પોરબંદર અને રાણાવાવમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. રાણાવાવમાં તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. અનેક લોકોની ઘરવખરી તણાઈ હતી. કલ્યાણપુરમાં 9 અને દ્વારકામાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ભાણવડ-વિસાવદર-કુતિયાણામાં 6 ઇંચ અને સૂત્રાપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મેંદરડા-માણાવદરમાં 5-5 ઇંચ, ચીખલી-પારડી-વંથલી-વાપી-જૂનાગઢમાં 4-4 ઇંચ વરસાદ, વલસાડ અને કપરાડામાં પોણા 4 ઈંચ, જલાલપોર-ગીર ગઢડા- ગણદેવી- ખાભામાં 3.5 ઈંચ વરસાદ, કેશોદ અને નવસારીમાં સવા 3 ઈંચ વરસાદ, બગસરા, તલાળા અને ધોરાજીમાં 3 ઈંચ વરસાદ, કાલાવડ-ટંકારા, ધારીમાં પોણા 3 ઈંચ વરસાદ, ચોર્યાસી-રાજુલા-વાલપુર-વાંકાનેર-ઉના-ભિલોડામાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે ઉમરગામ,સાવરકુંડલા, વેરાવળ, જામજોધપુર, ધ્રોલ, પલસાણા, જાફરાબાદ, કોડિનારમાં સવા 2 ઈંચ, જ્યારે  ખેરગામ-અમરેલી-ચૂડા-સાયલામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છેં.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 6થી 8 જુલાઈ સુધી વરસાદનું જોર યથાવત રહશે. દમણ દાદરા નગર હવેલી, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે 3 દિવસ સુધી રાજ્યમાં અસર રહેશે. અમદાવાદમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22 ટકા વરસાદ વરસ્યો છે.