અમદાવાદના નગરદેવતા કર્ણમુક્તેશ્વર મહાદેવઃ નિહાળો આરતી દર્શન

અમદાવાદઃ અમદાવાદની મધ્યમાં શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલા કર્ણમુક્તેશ્વર મહાદેવનો અનન્ય મહિમા છે. આ મંદિર અમદાવાદ જ્યારે કર્ણાવતી કહેવાતો વિસ્તાર હતો ત્યારનું પ્રાચીન મંદિર છે. જે રીતે અમદાવાદમાં ભદ્ર સ્થિત ભદ્રકાળી મંદિર નગરદેવી મંદિર કહેવાય છે તે રીતે આ મંદિરને આજની તારીખમાં પણ નગરદેવતા મંદિર તરીકે ઓળખવામાં આવે છે.શ્રાવણ માસના ઉપલક્ષમાં અમદાવાદ શહેરના નગરદેવતા કર્ણમુક્તેશ્વર મહાદેવની આરતીના દર્શનનો લહાવો લઇએ…


આ મંદિર એક એવું મંદિર છે કે જ્યાં શરણાઈના સૂર સાથે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ઈ.સ. 957ના ગાળામાં આશાવલ્લીના રાજવી આશાભીલને પરાસ્ત કરી પાટણપતિ સોલંકી રાજા કર્ણદેવે આ કર્ણમુક્તેશ્વર શિવાલય અને કર્ણસાગર જળાશયનું નિર્માણ કરાવ્યું હતું. આથી કર્ણમુક્તેશ્વર મહાદેવ, સોલંકી યુગમાં ગુજરાતમાં પાંગરેલી શિલ્પકલાના ઉત્તમ પ્રતીકરૂપ એક ભવ્ય દેવાલય, તે નગરીના મધ્યયસ્થાને હતું. તેને ફરતાં ઉદ્યાનો, ધર્મશાળાઓ, વાવ, કૂવા ઈત્યાદિને કારણે આ શિવાલય ગુજરાતનું પ્રાચીન શિવાલય બની ગયું હતું. શિવાલયના નિભાવ માટે કર્ણદેવે જે જમીનો દાનમાં આપેલી તે પરંપરાને તે પછીના ગુજરાતના મુસ્લિમ સુલ્તાનો, મરાઠા, મોગલો અને અંગ્રેજોએ પણ નિભાવી હતી.

ભોળાનાથના આ મંદિરમાં વૈદિક પરંપરા અનુસાર રૂદ્રીપાઠ કરાય છે. કર્ણમુક્તેશ્વર મહાદેવ હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસ સિવાય પણ ભક્તો અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. મંદિરમાં વ્યાસ પૂર્ણિમા, રક્ષાબંધન, ઉપરાંત પરશુરામ જયંતિ,જન્માષ્ટમી તેમજ શિવરાત્રિ સહિતના ઉત્સવો ભવ્ય રીતે ઉજવાય છે. તો શ્રાવણોત્સવમાં રોજ સવારે પ્રતિદિન અલગ અલગ શરણાઈના સૂર સાથે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. કર્ણમુક્તેશ્વર મહાદેવને નગરદેવતાનું બિરુદ મળેલું છે. વર્તમાન સમયમાં કર્ણાવતીના નગરજનોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. અને કર્ણમુક્તેશ્વરના આંગણે આવેલા ભક્તની તમામ આધિ, વ્યાધિ અને ઉપાધિ કર્ણમુક્તેશ્વર દાદા હરી લે છે.