ચાર મહાનગરોમાં 31 જાન્યુઆરી સુધી કરફ્યુ યથાવત્

જામનગરઃ કોરોના રોગચાળાને અટકાવવા માટે દિવાળી પછી રાજ્યમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો હતો. જેની મુજબ ઉત્તરાયણ –એટલે કે 14 જાન્યુઆરીએ પૂરી થતી હતી. જોકે રાત્રિ કરફ્યુને લઈને મુખ્ય વિજય રૂપાણીએ ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુ યથાવત રાખવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 15 દિવસ સુધી એટલે કે 31મી જાન્યુઆરી સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે.

તેમણે જણાવ્યું છે કે હાલમાં તો સરકાર રાત્રિ કરફ્યુમાં કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. રાજ્યનાં ચાર મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કરફ્યુ હજુ પણ યથાવત રહેશે અગાઉ રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિને જોતાં સૂત્રોનું માનવું હતું કે સરકાર 11 વાગ્યા સુધી ઢીલ આપી શકે છે. જોકે રૂપાણી સરકારનો નિર્ણય આવી ગયો છે અને જે નીતિ-નિયમો સાથેનો કરફ્યુ છે, એ ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રી કરફ્યુ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો. રાતના દસ વાગ્યા બાદ રાત્રિ કરફ્યુનો અમલ થતો હતો. આવતી કાલથી સમગ્ર ગુજરાતમાં રસીકરણનો શુભારંભ થવા જઈ રહ્યો છે.