દિવાળીના દીવડા, ફટાકડાનો અવાજ અને મહેમાનોની અવરજવર વચ્ચે દોડાદોડી કર્યા પછી અચાનક એક સવારે જાણે દુનિયા થંભી જાય છે.
ન તો કોઈ પૂજાનું મુહૂર્ત, ન કોઈને મળવા જવાની ઉતાવળ! દિવાળી અને બેસતા વર્ષની બરાબર વચ્ચે આવતો આ ‘પડતર દિવસ’ એટલે જ આપણો દેશી ‘મેન્ટલ હેલ્થ ડે’.
કોર્પોરેટ જગત ભલે આજે ‘ડિજિટલ ડિટોક્સ’ કે ‘ચીલ ડે’ની વાતો કરતું હોય, પરંતુ ગુજરાતીઓએ તો સદીઓથી પોતાના કેલેન્ડરમાં આરામ કરવા માટેનો આખો એક દિવસ અનામત રાખી લીધો છે. ચાલો જાણીએ આ અનોખા ‘વચેટિયા’ દિવસની રસપ્રદ વાતો.
પંચાંગની ગડબડ કે કુદરતનો વિસામો?

હિન્દુ પંચાંગ સંપૂર્ણપણે સૂર્ય અને ચંદ્રની ગતિ પર આધારિત છે. આ ખગોળીય ગણતરીમાં જ્યારે ચંદ્રની ગતિમાં ફેરફાર થાય, ત્યારે ક્યારેક કોઈ તિથિ ઘટે છે (ક્ષય તિથિ) તો ક્યારેક વધે છે (વૃદ્ધિ તિથિ). આસો માસની અમાસ એટલે કે દિવાળી અને કારતક સુદ એકમ એટલે કે નૂતન વર્ષની વચ્ચે જ્યારે આવો એક ખાલી સમયગાળો આવી જાય, ત્યારે એને પંચાંગની ભાષામાં ‘પડતર દિવસ’ કહે છે. આ દિવસે કોઈ તિથિ કે તહેવારના હોવાથી નવા કે શુભ કામ થતા નથી, પરંતુ એ થાકેલા શરીર અને મન માટે કુદરતે આપેલો એક અધિકૃત ‘વિસામો’ બની રહે છે.
‘ધોકો‘ નામ પાછળ છુપાયેલી છે રસપ્રદ લોકવાયકા

આ દિવસને સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ‘ધોકો’ કહેવામાં આવે છે. આ નામ પાછળ એક ખૂબ જ રસપ્રદ સામાજિક કારણ જોડાયેલું છે. દિવાળીના પંદર દિવસ પહેલાથી ઘરની સાફ-સફાઈ અને નાસ્તા બનાવવામાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ દિવાળી પૂરી થતાં જ સંપૂર્ણપણે થાકી જતી. નવા વર્ષની સવાર પડે એ પહેલાં, આ વધારાના દિવસે મહિલાઓ નદી કે કૂવે જઈને કપડાં ધોવાના લાકડાના ‘ધોકા’ વડે ઘરનાં તમામ જૂનાં કપડાં ધોતી અને બાકીનો આખો દિવસ આરામ કરતી. આથી જ આ દિવસનું નામ ‘ધોકો’ પડી ગયું. વળી, તળપદી ભાષામાં ધોકો એટલે દગો. સળંગ ઉત્સવો વચ્ચે અચાનક તિથિ ‘દગો’ આપીને ખાલી જાય, એટલે પણ એને ધોકો કહેવાય છે.
વચેટિયો અને આળસુ દિવસ: પેઢીઓ બદલાઈ, ભાવ એ જ રહ્યો

ગામડાઓમાં બે મોટા તહેવારોની વચ્ચે આવતો હોવાથી વડીલો એને ‘વચેટિયો’ કે ‘વિસામાનો દિવસ’ કહે છે. વેપારીઓ માટે આ દિવસ ‘નો એક્શન ડે’ છે, જ્યાં ચોપડા પૂજન પછી પેઢીઓ સજ્જડ બંધ રહે છે અને એક રૂપિયાનો પણ નવો વહીવટ થતો નથી. આજના યુવાનો માટે આ દિવસ ‘લેઝી ડે’ કે ‘બોનસ ડે’ બની ગયો છે. મોડે સુધી ઊંઘવું, મઠિયાં-ઘૂઘરા અને કાજુ-કતરી પર જ દિવસ પસાર કરવો, પરિવાર સાથે પત્તા રમવા કે વેબ સિરીઝ જોવી, આ જ આજના ધોકાનું સેલિબ્રેશન છે. સમય ભલે બદલાયો, પણ આ દિવસનો આળસ અને શાંતિનો મૂળ ભાવ આજેય અકબંધ છે.
અન્ય રાજ્યોની દોડધામ તો ક્યાંક સન્નાટો

ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની આ જ તો મજા છે. એક તરફ ગુજરાતમાં ધોકાના દિવસે રસ્તાઓ પર સન્નાટો હોય છે અને ઘરમાં લોકો આરામ ફરમાવતા હોય છે. ત્યારે બરાબર એ જ દિવસે ઉત્તર ભારત અને દેશના અન્ય ભાગોમાં ‘ગોવર્ધન પૂજા’ની જોરદાર ધામધૂમ ચાલતી હોય છે. ગુજરાતમાં સામાન્ય રીતે ગોવર્ધન પૂજા અને અન્નકૂટના દર્શન બેસતા વર્ષના દિવસે થાય છે. આમ, દેશભરમાં ઉત્સવનો માહોલ હોય ત્યારે ગુજરાતીઓ માત્ર ને માત્ર પોતાના માટે સમય ફાળવીને, ‘રિચાર્જ’ થઈને બીજા દિવસથી નવા વર્ષના ‘સાલ મુબારક’ કરવા સજ્જ થઈ જાય છે.
(હેતલ રાવ, અમદાવાદ)






