ચોમાસું જામ્યુંઃ કુલ સરેરાશ વરસાદ ૪૬.૧૫ ટકા, સૌથી ઓછો કયા ઝોનમાં જાણો…

ગાંધીનગરઃ રાજ્યનાં ૨૩૮ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. કચ્છ-સૌરાષ્ટ્ર અને પુર્વ-મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઝોનનાં તમામ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. વડોદરામાં સૌથી વધુ ૪૯૯ મી.મી એટલે કે ૨૦ ઇંચ વરસાદ વરસતા રાજ્યના મુખ્યપ્રધાને મોડી રાત્રે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે તાકીદે બેઠક યોજીને પરિસ્થિતીનો તાગ મેળવી તમામ સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા વહીવટી તંત્રને જરુરી સુચનાઓ આપી હતી. તો બીજી તરફ રાજ્યના ૨૮ તાલુકાઓમાં ચાર ઇંચથી આઠ ઇંચ સુધી જ્યારે ૧૧૨ તાલુકાઓમાં એક ઇંચ થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન મહુધા તાલુકામાં ૨૦૦ મી.મી એટલે કે ૮ ઇંચ, હાલોલમાં ૧૮૯ મી.મી, ડભોઇ તાલુકામાં ૧૮૭ મી.મી, ખેડબ્રહ્મામાં ૧૮૦ મી.મી, વડાલીમાં ૧૭૬ મી.મી, કરજણમાં ૧૬૫ મી.મી, સંખેડામાં ૧૬૨ મી.મી, તિલકવાડામાં ૧૪૭ મી.મી, વંથલીમાં ૧૩૯ મી.મી, ઇડરમાં ૧૩૬ મી.મી, સાણંદમાં ૧૩૨ મી.મી, ઉમરપાડામાં ૧૨૮ મી.મી, વાઘોડીયામાં ૧૨૬ મી.મી, બાલાસિનોરમાં ૧૨૨ મી.મી, હિંમતનગરમાં ૧૧૮ મી.મી, મહેમદાવાદમાં ૧૧૭ મી.મી, વિસાવદર અને બોડેલીમાં ૧૧૬ મી.મી, વઘઇમાં ૧૧૫ મી.મી, વસોમાં ૧૧૦ મી.મી, માણાવદરમાં ૧૦૭ મી.મી, પંચમહાલના કાલોલમાં ૧૦૭ મી.મી, દેસરમાં ૧૦૬ મી.મી, સુરતનાં માંડવીમાં ૧૦૫ મી.મી, નડિયાદમાં ૧૦૩ મી.મી અને જુનાગઢ શહેર, જુનાગઢ તાલુકા તથા જાંબુઘોડામાં ૧૦૧ મી.મી મળીને કુલ ૨૮ તાલુકાઓમાં ૪ ઇંચથી ૮ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

તો આ સીવાય રાજ્યના કુલ‌‌‌‌‌ ૧૧૨ તાલુકાઓમાં એક ઇંચ થી ચાર ઇંચથી સુધીનો વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડ્યો હતો. જેમાં ૧૭ તાલુકાઓ એવા છે જેમા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેમાં વાલોદ, કઠલાલ, જંબુસર, ઓલપાડ, મહુવા(સુરત), બારડોલી, ઠાસરા, સિધ્ધપુર, તલોદ, મેંદરડા, આમોદ, માતર, ઉમરેઠ, પાદરા, ભરૂચ, ગરૂડેશ્વર અને અમીરગઢ તાલુકાનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત થતી આંકડાકીય વિગતો અનુસાર આજે સવારે ૬ કલાકથી ૧૦ કલાક દરમ્યાન કાલોલ તાલુકામાં ૧૦૦ મી.મી એટલે કે ચાર ઇંચ, ઉમરેઠમાં ૮૧ મી.મી, શહેરામાં ૭૭ મી.મી મળી કુલ બે તાલુકામાં ત્રણ ઇંચથી વધુ, માતરમાં ૬૫ મી.મી, દેસરમાં ૬૦ મી.મી, હાલોલમાં ૫૬ મી.મી, અમીરગઢમાં ૫૫ મી.મી, મોરવા હડફમાં ૫૪ મી.મી, ઘોઘંબામાં ૫૨ મી.મી, મળી કુલ ૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૧૦ તાલુકાઓમાં એક ઇંચથી વરસાદ વરસ્યો છે.

ચાલુ વર્ષે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૬.૧૫ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં ૩૫.૪૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૨.૧૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૩૮.૪૩ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૩૧.૧૧ ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૦.૫૮ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.