ભારતીય સૈનિકો પર આધારિત ફરહાન અખ્તર સ્ટારર 120 બહાદુર ફિલ્મનું ટીઝર રિલીઝ

લક્ષ્ય’ ના નિર્માતાઓ ફરી એક વખત ભારતીય સૈનિકો આધારિત ફિલ્મ લઈને આવી રહ્યાં છે. જે ફિલ્મનું નામ છે ‘120 બહાદુર’. ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં છે, જે સૈનિકનું પાત્ર ભજવી રહ્યો છે. નિર્માતાઓએ આજે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ 120 ભારતીય સૈનિકોની બહાદુરી, હિંમત અને બલિદાનની શક્તિશાળી વાર્તા કહે છે, જેમણે 1962માં રેઝાંગ લાના યુદ્ધ દરમિયાન 3000 ચીની સૈનિકોનો બહાદુરીથી સામનો કર્યો હતો, જે ભારત-ચીન યુદ્ધમાં એક મહત્વપૂર્ણ ઘટના હતી.

‘120 બહાદુર’ના ટીઝરમાં, ફરહાન ભારતીય સેનાના કુમાઉ રેજિમેન્ટના મેજર શૈતાન સિંહ ભાટીની ભૂમિકા ભજવતો જોવા મળે છે, જેમણે રેજાંગ લાના યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોનું નેતૃત્વ કર્યું હતું. તેમણે યુદ્ધમાં પોતાનું બલિદાન આપ્યું હતું અને તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન, પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. ટીઝરની શરૂઆત એક અધિકારી દ્વારા હોસ્પિટલમાં દાખલ ઘાયલ સૈનિકને યુદ્ધ દરમિયાન રેજાંગ લામાં બનેલી ઘટનાઓ વિશે પૂછવાથી થાય છે. ઘણા ભાવનાત્મક અને ઉત્તેજક દ્રશ્યોમાં ભારતીય સૈનિકોને ચીની સેના દ્વારા સતત તોપખાનાના હુમલાનો સામનો કરતા દર્શાવવામાં આવ્યા છે. તે જ સમયે ભારતીય સૈનિકોને ખરાબ હવામાનમાં યુદ્ધની તૈયારી કરતા દર્શાવવામાં આવ્યા છે, જ્યાં તાપમાન 24 ડિગ્રીથી નીચે જાય છે. ભારે ઠંડી હોવા છતાં શૈતાન સિંહ કોઈપણ ચિંતા કર્યા વિના આગળના યુદ્ધની તૈયારી કરતો જોવા મળે છે.

ફરહાને મેજર શૈતાન સિંહ તરીકે છાપ છોડી

તે પોતાની બટાલિયનને યાદ અપાવે છે કે ભારતીય સેનાનો ગણવેશ પહેરવા માટે માત્ર હિંમત જ નહીં પણ પોતાના જીવનું બલિદાન આપવાની તૈયારી પણ જરૂરી છે. તે તેમને દેશ માટે પોતાના જીવનું બલિદાન આપવાનું પણ કહે છે. તે આગળ કહે છે કે તે પોતાનુ અને પોતાના સૈનિકોના જીવનું બલિદાન આપવા તૈયાર છે, પરંતુ તે હાર સ્વીકારતો નથી. તે કહે છે, ‘હું પીછેહઠ કરવા તૈયાર નથી.’ આ પછી, ટીઝરમાં બંને દેશો વચ્ચેના યુદ્ધના કેટલાક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Farhan Akhtar (@faroutakhtar)

રજનીશ ‘રેજી’ ઘાઈ દ્વારા દિગ્દર્શિત અને રિતેશ સિધવાની, ફરહાન અખ્તર (એક્સેલ એન્ટરટેઈનમેન્ટ) અને અમિત ચંદ્ર (ટ્રિગર હેપ્પી સ્ટુડિયો) દ્વારા નિર્મિત, આ ફિલ્મ 21 નવેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફરહાન ચાર વર્ષના વિરામ પછી મોટા પડદા પર પાછો ફરી રહ્યો છે. તે છેલ્લે રાકેશ ઓમપ્રકાશ મેહરાની ‘તુફાન’માં જોવા મળ્યો હતો. ‘120 બહાદુર’માં વિવાન ભટેના, અંકિત સિવાચ, એજાઝ ખાન અને રાશિ ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં છે.