ચોમાસામાં સલામતી આયોજનો માટે રચાઇ ગઇ આ કમિટી…

ગાંધીનગર- આવતાં મહિને ચોમાસું બેસવાનું છે તેના પહેલાં જ ઉત્તર ભારતમાં વરસાદ ને વાવાઝોડાંની ગંભીર સ્થિતિ સામે આવી ગઇ છે ત્યારે ગુજરાતમાં ચોમાસુ દસ્તક દે એ પહેલાં સલામતીની આલબેલ પોકારવાના આયોજનરુપે એક કમિટીની રચના કરી દેવામાં આવી છે.

રાજ્યમાં વર્ષાઋતુ દરમિયાન વરસાદ અને હવામાનની પરિસ્થિતિની સમીક્ષા તેમજ આગોતરા સલામતી આયોજન અંગે જરૂરી ભલામણો માટે વેધર વોચ ગૃપ સમિતિની રચના કરવામાં આવી છે. રાજ્યના રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને શહેરી વિકાસ, GSDMA, નર્મદા જળસંપત્તિ, મત્સ્યોદ્યોગ, ઊર્જા, પાણી પુરવઠો, આરોગ્ય, વન તેમજ કૃષિ, બાયસેગ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના 24 જેટલા વરિષ્ઠ અધિકારીઓનો આ સમિતિમાં સભ્યો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.1 જૂનથી 31 ઓકટોબર 2018 ચોમાસા સમયગાળા દરમિયાન વખતોવખત સમીક્ષા હાથ ધરવા સપ્તાહના દર મંગળવારે બપોરે આ બેઠક સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમ ખાતે મળશે.

આ સમિતી વેધર વોચ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા પણ કરશે અને હવામાનની પરિસ્થિતિ, તાપમાન, સમુદ્રનું સંભવિત વાવાઝોડુ અને ડિપ્રેશનની આગાહી અને તેની સમીક્ષા, સેટેલાઇટ ઇમેજ તથા નકશા, પાક પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિ, માછીમાર અને સંભવીત અસરગ્રસ્તોને સમયસર ચેતવણી વિગેરે બાબતોની ચર્ચા અને સમીક્ષા કરી જરૂરી ભલામણો કરશે.

મોસમ વિજ્ઞાન, NDRF, એરફોર્સ, આર્મી, કોસ્ટગાર્ડ જેવી કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જરુરિયાત મુજબ બેઠકમાં અન્ય વિભાગો કે સંબંધિત ખાતાઓના અધિકારીઓને પણ બોલાવવામાં આવશે. દર મંગળવારે મળનારી આ વેધર વોચ કમિટીની બેઠકની વિગતો મુખ્ય સચિવશ્રીને સચિવશ્રીઓની બેઠકમાં યોગ્ય સૂચનો-પરામર્શ માટે પણ આપવામાં આવશે.

રાજ્યમાં વરસાદી મોસમમાં કુદરતી આફતમાં જાનમાલ નુકશાન અટકાવી શકાય તેમ જ મહત્તમ સુરક્ષાત્મક પગલાંનું આગોતરું આયોજન થઇ શકે તે હેતુસર આ વેધર વોચ કમિટી રચવામાં આવે છે.