ટ્રેનો મફત ચલાવોઃ ગુજરાત હાઈકોર્ટે મજૂરોની તરફેણમાં ચુકાદો આપ્યો

અમદાવાદઃ દેશમાં જુદા જુદા રાજ્યોમાં કામ કરતા પ્રવાસી મજૂરોને તેમના વતન જવાની લોકડાઉનના ત્રીજા તબક્કામાં છૂટ આપવામાં આવી હતી. પ્રવાસી મજૂરોની સુવિધા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો પણ ચલાવવામાં શરૂ કરવામાં આવી છે, પરંતુ એ માટે ચાર્જ કરાતા રેલવેનાં ભાડાંને લઈને રાજ્યો અને કેન્દ્ર વચ્ચે વિવાદ થયો છે. આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે વતન પાછા પરતા પ્રવાસી મજૂરોનાં ભાડાં જે તે રાજ્યોએ ચૂકવવાં જોઈએ અથવા રેલવેએ આ સુવિધા મફત કરવી જોઈએ.

ગુજરાત હાઇકોર્ટમાં પ્રવાસી મજૂરોને થઈ રહેલી મુશ્કેલીઓ બાબતે સુનાવણી દરમ્યાન રાજ્ય સરકારે કહ્યું હતું કે કેટલાય પ્રવાસી મજૂરો પોતાની જાતે રાજ્યમાં આવ્યા હતા, એટલે આંતર-રાજ્ય પ્રવાસી મજૂરો અધિનિયમ 1979ની જોગવાઈઓ આ લોકો પર લાગુ ન પડે. આ અધિનિયમ હેઠળ આવા પ્રવાસી મજૂરોને વિસ્થાપન ભથ્થાં અને યાત્રા ખર્ચ ન આપી શકાય.

રાજ્ય સરકારે આ વાત વકીલ આનંદ યાજ્ઞિક દ્વારા કરવામાં આવેલી અરજીના સંબંધમાં કહી હતી. ગુજરાત હાઈકોર્ટમાં પ્રવાસી મજૂરોથી જોડાયેલા કેટલીય જનહિત અરજીઓ કરવામાં આવી છે. જેના પર કોર્ટે સુનાવણી  કરી હતી. સરકારે તર્ક આપ્યો હતો કે આંતર-રાજ્ય પ્રવાસી શ્રમિક અધિનિયમ 1979ની જોગવાઈ ઉક્ત અધિનિયમ હેઠળ રજિસ્ટર્ડ પ્રવાસી મજૂરો પર લાગુ છે. આ અધિનિયમ હેઠળ 7512 શ્રમિકો રજિસ્ટર્ડ છે. ઉપલબ્ધ આંકડાને આધારે રાજ્યમાં 22.5 લાખ પ્રવાસી મજૂરો છે. એમાંથી મોટા ભાગના પોતાની રીતે રાજ્યમાં કકામ કરવા આવ્યા છે. જેથી સરકારના અહેવાલમાં કહ્યું છે કે આવા પ્રવાસી મજૂરોને આંતર-રાજ્ય પ્રવાસી અધિનિયમ, 1979ના અનુભાગ 14અને 15 હેઠળ યાત્રા ભથ્થાં અને વિસ્થાપન ભથ્થાની ચૂકવણી ન કરી શકાય.

હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઊધડો લીધો

ગુજરાત હાઇકોર્ટે શનિવારે રાજ્યની ખાડે ગયેલી હેલ્થકેર સિસ્ટમનો – ખાસ કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ બાબતે પણ રાજ્ય સરકારનો ઊધડો લઈ નાખ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે સિવિલ તંત્ર, રાજ્યના આરોગ્યપ્રધાન, આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ અને રાજ્ય સરકારની આકરી ઝાટકણી કરી હતી. હાઈકોર્ટે તેના વચગાળાના ચુકાદામાં કહ્યું હતું કે અમને એ વાતનું આશ્ચર્ય છે કે આરોગ્યપ્રધાને સિવિલ હોસ્પિટલની અનેક વાર મુલાકાત લીધી છે, ત્યારે ત્યાં દર્દીઓ કઈ મુસીબતોનો સામનો કરી રહ્યા છે અને કર્મચારીઓ કેવી મુશ્કેલીઓમાં કામ કરી રહ્યા છે એનો તેમને કોઈ અંદાજ નથી? સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર્સના અભાવે દર્દીઓ મરી રહ્યા છે.વેન્ટિલેટર્સની અછતની સમસ્યા છે, ત્યારે સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા કેવી તૈયારી કરી છે?

કોર્ટે અવલોકન કર્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થયેલા મોટા ભાગના દર્દીઓ સારવારના ચારથી પાંચ દિવસમાં મરી રહ્યા છે. જે હોસ્પિટલમાં ક્રિટિકલ કેરનો સંપૂર્ણ અભાવ હોવનું દર્શાવે છે.