અમદાવાદનો આ રસ્તો હવે ‘ડો. એચ. એલ. ત્રિવેદી માર્ગ’

અમદાવાદઃ પદ્મશ્રી સ્વર્ગીય ડો. એચ. એલ. ત્રિવેદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બીજી ઓક્ટોબરે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે નેફ્રોલોજિસ્ટના નામે અસારવા વિસ્તારમાં રસ્તાનું નામાભિધાન કરવાનો નિર્ણય કર્યો છે. અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલનું સંકુલ સ્વ. ડો. ત્રિવેદીની કર્મભૂમિ  રહી છે, જેમણે રાજ્યના ગરીબ અને વંચિત લોકો માટે નિઃસ્વાર્થ તબીબી સેવામાં જીવન સમર્પિત કર્યું હતું. તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના નામે રસ્તાનું નામાભિધાન તેમને એક આદર્શ શ્રદ્ધાંજલિ છે, એમ IKDRC-ITSના નિયામક ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું.

ડો. ત્રિવેદીએ કેનેડામાં ચાલી રહેલી  તેમની ધીકતી મેડિકલ પ્રેક્ટિસ છોડીને અમદાવાદમાં ગરીબોની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું.  એ પછી ડો. ત્રિવેદીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ની સ્થાપના કરી હતી અને અમદાવાદ ખાતે વિશ્વ સ્તરની રેનલ કેર સેવા ઉપલબ્ધ કરાવી હતી.  હાલમાં 400 બેડની સુવિધા સાથે IKDRC દેશની વિશાળ સંખ્યામાં કિડની અને લિવર પ્રત્યારોપણ કરતી અગ્રણી હોસ્પિટલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલા ઠરાવ મુજબ અસારવામાં સિવિલ હોસ્પિટલ કંમ્પાઉન્ડ ગેટથી શરૂ થઈ જૂના એમએલએ ક્વાટર્સ વાયા લાલુભાઇ પટનીથી લઇને હોળી ચકલા સુધીના માર્ગનું ડૉ. એચ એલ ત્રિવેદી માર્ગ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. મેયર બિજલબહેન પટેલ શુક્રવારે અસારવામાં માર્ગના નામાભિધાન સાથે નામકરણ સમારંભની અધ્યક્ષતા કરશે.