ગાંધીનગર: ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના જીવન પર આધારિત ગુજરાતી જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવ્યું. “વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ” નામના આ પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પુસ્તક શ્રીલ પ્રભુપાદજીના અસાધારણ સંઘર્ષ, વૈશ્વિક આધ્યાત્મિક યાત્રા અને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં તેમના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે.
શ્રીલ પ્રભુપાદજીના પુસ્તક વિમોચન પ્રસંગે અભિનંદન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શ્રીલ પ્રભુપાદજીની યાત્રા સંઘર્ષોથી ભરેલી હતી. પરંતુ શ્રી કૃષ્ણ પરના તેમના અતૂટ વિશ્વાસે તેમને અપાર સફળતા અપાવી હતી. સામાન્ય માણસ જ્યારે મુશ્કેલીમાં હારી જાય છે, ત્યારે ભગવદગીતાના સંદેશ થકી મળેલ દ્રઢ વિશ્વાસ જ જીવનનો સાચો માર્ગ બતાવે છે. શ્રીલ પ્રભુપાદજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડીને પ્રભુપાદજીના વૈશ્વિક પ્રભાવને સન્માનિત કરવામાં આવ્યો હતો.
આ પુસ્તકના લેખિકા ડો. ઉષાબેનને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડો. ઉષાબેને શ્રીલ પ્રભુપાદજીના જીવન ચરિત્રને ગુજરાતીમાં વર્ણવીને રાજ્યની જનતા સુધી તેમના પ્રભાવશાળી વિચારો પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
શ્રીમદ ભગવદગીતામાં અપાયેલ સંદેશ વિશે વર્ણવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ઉત્કૃષ્ટ વ્યવહારિક જીવન જીવવા માટે ગીતાનો મહિમા અનિવાર્ય છે. શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે અધર્મનો નાશ નિશ્ચિત છે, આપણે માત્ર ધીરજ અને આંતરિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે. શ્રી રામના આચરણ અને શ્રી કૃષ્ણના વચનોને જીવનમાં ઉતારી મોક્ષ તરફનો રસ્તો સરળ બને છે. ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં ભૌતિકતા પાછળ દોડતા નાગરિકોને આધ્યાત્મિકતા તરફ વાળવાનું જે કાર્ય થયું છે તે અદભૂત છે. આ પુસ્તક ગુજરાતના યુવાનોથી માંડીને દરેક પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
ગ્લોબલ હરેકૃષ્ણ મૂવમેન્ટના કો–મેન્ટર અને વાઇસ ચેરમેન ચંચલાપતિ દાસે શ્રીલ પ્રભુપાદના જીવન પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ૭૦ વર્ષની ઉંમરે, માત્ર ૪૦ રૂપિયા સાથે કાર્ગો જહાજમાં અમેરિકા જઈને તેમણે હરે કૃષ્ણ મંત્રને વિશ્વવ્યાપી બનાવ્યો હતો. દરિયાઈ મુસાફરી દરમિયાન બે વાર હૃદયરોગના હુમલા સહન કરવા છતાં, ગુરુની આજ્ઞા પાળવા માટે તેઓ મક્કમ રહ્યા. તેમના પ્રયાસોથી જ વિશ્વભરમાં ૧૦૮થી વધુ કૃષ્ણ મંદિરોની સ્થાપના થઈ છે.
આ પુસ્તકના લેખિકા ડૉ. ઉષા ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શ્રીલ પ્રભુપાદનું જીવન એ અપ્રતિમ સાહસ, ધૈર્ય અને માનવજાત પ્રત્યેની અસીમ કરુણાનું જીવંત ઉદાહરણ છે. તેમણે ૬૯ વર્ષની જૈફ વયે પશ્ચિમની ભૌતિકતાવાદી સંસ્કૃતિમાં કૃષ્ણભક્તિના બીજ રોપ્યા હતા. તેમણે માત્ર ધર્મનો પ્રચાર જ ન કર્યો, પરંતુ વ્યસનોમાં ડૂબેલા યુવાનોને વૈદિક સંસ્કારો થકી એક નૈતિક સમાજની રચના કરી હતી. વિશ્વભરમાં ૧૦૮ મંદિરોની સ્થાપના અને રશિયા કે આફ્રિકા જેવા વિષમ ભૌગોલિક અને રાજકીય વિસ્તારોમાં પણ ‘હરે કૃષ્ણ’ મહામંત્ર ગુંજતો કરવો એ તેમની અકલ્પ્ય સિદ્ધિ છે.
હરે કૃષ્ણ મૂવમેન્ટ, અમદાવાદ દ્વારા આયોજિત પુસ્તક વિમોચન પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર અમદાવાદના પ્રમુખ જગન્મોહન કૃષ્ણ દાસ, સાહિત્યકાર ભાગ્યેશ જહા સહિત વિદ્વાનો, શિક્ષણવિદો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




