ગુજરાતી સિનેમા માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ (2026)માં ‘શ્રેષ્ઠ ગુજરાતી ફીચર ફિલ્મ’નો નેશનલ એવોર્ડ પોતાના નામે કરનારી ચર્ચિત ફિલ્મ ‘MAARAN’ (મારણ) ની અધિકૃત રિલીઝ તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મનમોહક અંદાજમાં આ ફિલ્મની રિલીઝ ડેટનું અનાવરણ કર્યું હતું. સિનેમેન પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ આગામી 31મી જુલાઈ, 2026 ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે.

“હું ચોક્કસ આ ફિલ્મ જોવા જઈશ” — CM ભૂપેન્દ્ર પટેલ
આ ખાસ પ્રસંગે મુખ્યમંત્રીએ અત્યંત ઉષ્માભર્યા સ્વરે ફિલ્મની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને સામાજિક ચેતનાને સ્પર્શતી આવી ઉત્કૃષ્ટ ફિલ્મ બનાવ બદલ સરાહના કરી હતી. તેમણે પ્રોત્સાહક લહેકામાં ઉમેર્યું હતું કે, હું પોતે ચોક્કસપણે આ ફિલ્મ જોવા માટે સિનેમાઘરમાં જઈશ. ફિલ્મના નિર્માતા અને પ્રખ્યાત દિગ્દર્શક અભિષેક જૈને મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું કે, આ સન્માન અમે સમગ્ર ગુજરાત રાજ્યને સમર્પિત કરીએ છીએ. ગુજરાતી સિનેમાના ઉત્થાન માટે માનનીય મુખ્યમંત્રીના અડગ સહયોગ બદલ અમે નમ્રતાપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તેમની ગરિમામય ઉપસ્થિતિમાં ફિલ્મની રિલીઝ તારીખ જાહેર થઈ તે અમારા માટે અત્યંત ગૌરવની વાત છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનું પણ સન્માન
આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટીમને શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, ફિલ્મ ટીમને ફરી એકવાર નેશનલ એવોર્ડ મળ્યો તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. ફિલ્મ જગત કે પોલિસી લેવલને લગતો કોઈ પણ રચનાત્મક વિષય હશે, તો અમે ચોક્કસપણે સાથે મળીને તેના પર કામ કરીશું. આ ઉપરાંત, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ દિગ્દર્શક અભિષેક જૈન સાથે ખાસ મુલાકાત કરીને ફિલ્મ ‘MAARAN‘ના શીર્ષકના અર્થ અને તેની કથા વિશે વિગતે ચર્ચા કરી હતી તથા અભિષેક જૈનનું વિશેષ બહુમાન કર્યું હતું.
જાણી લો ફિલ્મ ‘MAARAN’ ના મુખ્ય પાસાં
પુરસ્કાર: શ્રેષ્ઠ ગુજરાતી ફીચર ફિલ્મ — 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ, 2026
રિલીઝ તારીખ: 31 જુલાઈ, 2026 (ફક્ત સિનેમાઘરોમાં)
દિગ્દર્શક: અભિષેક જૈન
નિર્માતાઓ: નયન જૈન, અમિત દેસાઈ અને અભિષેક જૈન
લેખક: દિવ્યા મહેન્દ્રભાઈ ઠાકોરે
મુખ્ય કલાકારો: યશ સોની, દીક્ષા જોશી, શ્રુહદ ગોસ્વામી, તર્જની ભડલા, અભિનય બેન્કર, વૈશાખ રાઠોડ, કુકુલ તારમાસ્ટર, પ્રાચી ઠાકોર, ધૈર્ય ઠક્કર, દ્રુમા મહેતા, મોલ પટેલ અને ગરિમા ભારદ્વાજ.
મ્યુઝિક એન્ડ લિરિક્સ: સંગીત આલાપ – પાર્થનું છે અને ગીતો ભાર્ગવ પુરોહિતે લખ્યા છે.
સાઉન્ડ એન્ડ DOP: DOP પ્રતીક પરમાર અને સાઉન્ડ ડિઝાઈનર અજીત સિંહ રાઠોડ છે.
સંપાદન (Editors): ઓમકાર નિલાંગે, હર્ષ આનંદાણી અને દેવર્ષિ બારોટ.
સામાજિક ચેતના અને અદભુત વિષયવસ્તુ પર આધારિત આ ફિલ્મ 31મી જુલાઈ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેને લઈને અત્યારથી જ સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

