‘કોક ત્રિભેટે થઈશું ભેળા, લ્યો હવે ફંટાય છે કેડી’, ગિરનારી કવિ રાજેન્દ્ર શુક્લનું નિધન

ગુજરાતી સાહિત્ય જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી ભાષાના જાણીતા કવિ, ગઝલકાર અને સાહિત્ય વિવેચક રાજેન્દ્ર શુક્લ (Rajendra Shukla)નું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમણે રવિવારે એટલે કે આજે વહેલી સવારે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી હૃદય સંબંધિત તકલીફને કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

 

‘ગઝલસંહિતા’ના સર્જક અને સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા રાજેન્દ્ર શુક્લ(Rajendra Shukla)ની વિદાયથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી છે. તેમની અંતિમયાત્રા સાંજે 6 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અમદાવાદના થલતેજ સ્મશાનગૃહ સુધી નીકળી હતી. રાજેન્દ્ર શુક્લના નિધનથી કલા અને સાહિત્ય ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

ગિરનારની ભૂમિ અને નરસિંહ મહેતાની ભક્તિ પરંપરાનો પ્રભાવ

રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ 12 ઓક્ટોબર, 1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં થયો હતો. ગિરનારની પ્રકૃતિ, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને આદ્યકવિ નરસિંહ મહેતાની ભક્તિ પરંપરાનો તેમના સાહિત્યિક ઘડતરમાં ઊંડો પ્રભાવ રહ્યો હતો. આધુનિક ગુજરાતી કવિતામાં તેમણે પોતાની આગવી ભાષાશૈલી અને સર્જનાત્મક અભિવ્યક્તિથી વિશિષ્ટ સ્થાન મેળવ્યું હતું.

તેમણે અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને પ્રાકૃત વિષયોમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1982 સુધી વિવિધ કોલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. જોકે, સાહિત્ય અને કાવ્યસર્જન પ્રત્યેની તેમની લગનને કારણે તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને પોતાનું સમગ્ર ધ્યાન સાહિત્યને સમર્પિત કર્યું હતું.

‘કોમલ રિષભ’થી ‘ગઝલસંહિતા’ સુધીની સર્જનયાત્રા

રાજેન્દ્ર શુક્લએ ગુજરાતી ગઝલને એક નવી દિશા આપી હતી. તેમની રચનાઓમાં સંસ્કૃત ભાષાની સમૃદ્ધિ, તળપદી ગુજરાતી બોલીની મીઠાશ અને ભારતીય તત્ત્વજ્ઞાનની ઊંડાઈનો અનોખો સમન્વય જોવા મળતો હતો. ગઝલ ઉપરાંત તેમણે ગીતો, છંદોબદ્ધ કાવ્યો અને અછાંદસ કવિતાઓનું પણ સર્જન કર્યું હતું.

વર્ષ 1970માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોમલ રિષભ’ પ્રકાશિત થયો હતો. ત્યારબાદ 1972માં તેમનું દીર્ઘકાવ્ય ‘સ્વવાચકની શોધ’ અને 1981માં ‘અંતર ગાંધાર’ પ્રકાશિત થયાં હતાં. વર્ષ 2005માં પ્રકાશિત થયેલો પાંચ ભાગનો વિશાળ ગ્રંથ ‘ગઝલસંહિતા’ તેમની ત્રણ દાયકાની ગઝલસાધનાનો મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બન્યો હતો.

સાહિત્ય અકાદમી સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત

ગુજરાતી સાહિત્યમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ રાજેન્દ્ર શુક્લને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2006માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2007માં તેમના ગ્રંથ ‘ગઝલસંહિતા’ માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વર્ષ 2008માં નર્મદ સુવર્ણચંદ્રક અને 2009માં વલી ગુજરાતી ગઝલ એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયો હતો. કવિ શ્રી ન્હાનાલાલ પારિતોષિક અને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક સહિત અનેક સન્માનોથી તેમની સાહિત્યિક પ્રતિભાને બિરદાવવામાં આવી હતી.

તેમની વિદાયથી ગુજરાતી સાહિત્યે એક એવા સર્જક ગુમાવ્યા છે, જેમણે પોતાની કલમ દ્વારા ગઝલ અને કવિતાને નવી ઊંચાઈ આપી હતી. તેમનું સાહિત્યિક સર્જન અને ગુજરાતી ભાષા પ્રત્યેનું યોગદાન હંમેશાં યાદ રહેશે.