દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર: નડિયાદમાં શરૂ થયું રાજ્યનું પ્રથમ ‘AT Mart’

નડિયાદ: સુગમ, સમાવેશી અને સશક્ત ભારતના નિર્માણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના સાહસ ‘ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ’ (ALIMCO) દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાતના પ્રથમ ALIMCO Assistive Technology Mart (AT Mart)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કાનપુર બાદ સમગ્ર દેશમાં સ્થાપિત થનારું આ ભારતનું બીજું AT માર્ટ છે.

આ પ્રસંગે મા ગાયત્રી ઓર્થો કેર અને એલિમ્કો (ALIMCO) વચ્ચે ફોર્મલ MoU પણ કરવામાં આવ્યા હતા.

એક જ સ્થળે ઉપલબ્ધ થશે આધુનિક સહાયક ઉપકરણો

આ AT માર્ટ દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો અને દૈનિક જીવનમાં સહાયક ઉકેલોની જરૂરિયાત ધરાવતા લોકો માટે સુપર માર્ટની જેમ કાર્ય કરશે. અહીંથી નીચે મુજબના સાધનો એક જ સ્થળેથી મેળવી શકાશે.

  • હરવા-ફરવા માટેના સાધનો: વ્હીલચેર, ઈલેક્ટ્રિક સ્કૂટર, ટ્રાયસિકલ, વોકિંગ સ્ટિક, ઘોડી અને કુત્રિમ પગ.

  • આધુનિક ટેકનોલોજી: ૧૨ ભાષાઓમાં કાર્ય કરતી AI સ્ટિક, સ્માર્ટ ચશ્મા અને દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે બ્લાઇન્ડ સ્ટીક.

  • શ્રવણ અને વાચા સંબંધિત: વિવિધ પ્રકારના સાંભળવાના આધુનિક મશીન.

  • સિનિયર સિટીઝન સહાયક સાધનો: દૈનિક જીવનમાં સુરક્ષિત અવરજવર અને ઉપયોગી એસિસ્ટિવ ટેકનોલોજી સાધનો.મહાનુભાવોનું સંબોધન અને પ્રતિભાવો

  • જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય: તેમણે આ ક્ષણને ખેડા જિલ્લા માટે ગૌરવરૂપ ગણાવતા જણાવ્યું કે, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબના સાધનો સરળતાથી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે.

  • એલિમ્કો અધ્યક્ષ પ્રવીણકુમાર: તેમણે નડિયાદ ખાતે AT માર્ટની સ્થાપનાને ઐતિહાસિક ગણાવી રાષ્ટ્રીય વયોશ્રી યોજના અને દિવ્યાંગ સાધન સહાય યોજના વિશે માહિતી આપી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકોની જરૂરિયાત મુજબના ઉપકરણો બનાવીને એલિમ્કો આંતરરાષ્ટ્રીય સ્તરે મિશાલ કાયમ કરશે.

  • એડિશનલ કલેક્ટર વિમલ બારોટ: તેમણે સુગમ્ય ભારત યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સરકાર દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલ અભિગમથી કાર્ય કરી રહી છે અને ભવિષ્યમાં આ માર્ટ દિવ્યાંગો માટે સુપર માર્ટ સાબિત થશે.આ લોકાર્પણ પ્રસંગે જનરલ મેનેજર અજય ચૌધરી, ગાયત્રી ઓર્થો કેરના અધ્યક્ષ ચંદ્ર ગોપાલજી, એલિમ્કો વેસ્ટર્ન ઝોન હેડ રમેશ ચાંદ, નોર્થ ઝોન હેડ શશીર ત્રિપાઠી સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.