વિશ્વ ધ્યાન દિવસે આર્ટ ઓફ લિવિંગ સાથે સુરત બન્યું ધ્યાનમય

સુરત: આર્ટ ઓફ લિવિંગના વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે ૨૧ ડિસેમ્બરે આધ્યાત્મિક ગુરુ અને વૈશ્વિક માનવતાવાદી નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા ન્યુયોર્કથી યૂટ્યુબ ચેનલના લાઇવ મધ્યમથી વૈશ્વિક ધ્યાન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વના કરોડો લોકો એકસાથે ગુરુદેવના માર્ગદર્શન હેઠળ ધ્યાનમાં જોડાયા હતા.

આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટરનો વિશ્વ ધ્યાન દિવસનો મુખ્ય કાર્યક્રમ મહારાજા અગ્રસેન ભવન સીટી લાઈટ સુરત ખાતે યોજાયો હતો. જેમા ૨૦૦થી વધુ લોકોએ ધ્યાનનો અનુભવ કર્યો હતો. વિશ્વ ધ્યાન દિવસના સપ્તાહ દરમ્યાન વિવિધ જગ્યાઓ જેમ કે શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, સેન્ટ્રલ જેલ, સોસાયટી, ઓફિસ વગેરેમાં આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષિત શિક્ષકો અને યુવાચાર્યો દ્વારા ધ્યાન સત્રો યોજાયા હતા. વિશ્વ ધ્યાન દિવસના મહત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમો દ્વારા માનસિક આરોગ્ય, આંતરિક શાંતિ અને માનવ મૂલ્યો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ અવસર પર સુરત, નવસારી, વલસાડ, વાપી અને દમણના આશરે ૭૦,૦૦૦થી વધુ લોકોએ ભાગ લઈ ધ્યાન દ્વારા શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ કર્યો હતો.વિશ્વ ધ્યાન દિવસના વૈશ્વિક સ્તરના ઉજવણીના ભાગરૂપે, ૧૭ ડિસેમ્બરે યુનાઇટેડ નેશન્સના જિનેવા સેન્ટર ખાતે તથા ૧૯ ડિસેમ્બરે યુનાઇટેડ નેશન્સના ન્યુયોર્ક સ્થિત હેડક્વાર્ટર્સ ખાતે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરએ મુખ્ય પ્રવચન આપી સભા ને સંબોધન આપ્યુ હતું અને ઉપસ્થિત મહાનુભાવોને ધ્યાનનો અનુભવ પણ કરાવ્યો હતો. આ સત્રોમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) તેમજ વિવિધ દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમણે આ પ્રસંગે એ પણ યાદ અપાવ્યું કે પ્રાચીન પરંપરાઓમાં જન્મેલી આવી પ્રક્રિયાઓ વૈશ્વિક મંચ પર અત્યારે પણ સુસંગત છે.ન્યૂ યોર્કના પ્રતિષ્ઠિત ટાઇમ્સ સ્ક્વેર પર “વર્લ્ડ મીડિટેટ્સ વિથ ગુરુદેવ”ના બિલાબોર્ડ સાથે ઝળહળી ઉઠ્યું હતું. સમગ્ર વિશ્વનું ધ્યાન આ ઐતિહાસિક ક્ષણ તરફ ખેંચાયું હતું. આ ઘટના ભારતીય આધ્યાત્મિક ગુરુ દ્વારા વૈશ્વિક સ્તરે સંચાલિત એક દુર્લભ અને પ્રેરણાદાયી ક્ષણનું પ્રતીક બની રહ્યું છે.