હેરસ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ પર 32 FIR: કરોડોના ક્રિપ્ટો કૌભાંડનો આરોપ

નવી દિલ્હી: પ્રસિદ્ધ હેરસ્ટાઇલિસ્ટ જાવેદ હબીબનું નામ હવે એક મોટા ક્રિપ્ટો છેતરપિંડી કેસમાં સામેલ છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના પોલીસ દળે બુધવારે દિલ્હીમાં તેમના ઘરે દરોડા પાડ્યા હતા, પરંતુ તેઓ ત્યાં હાજર નહોતા. પોલીસના જણાવ્યા અનુસાર હબીબ હાલ પૂછપરછથી બચી રહ્યા છે અને ફરાર છે. પોલીસે તેમને જલદી હાજર થઈ તપાસમાં સહકાર આપવા આદેશ આપ્યો છે.

કરોડોની છેતરપિંડી, 32 FIR નોંધાઈ

હબીબ પર અંદાજે 5થી 7 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ સ્કેમનો આરોપ છે. અત્યાર સુધી તેમના વિરુદ્ધ 32 FIR નોંધાઈ ચૂકી છે. આ કેસમાં તેમના પુત્ર અનસ અને ભાગીદાર સૈફુલનું નામ પણ સામે આવ્યું છે. પોલીસ કહે છે કે આ લોકોએ ઊંચા વળતરના લાલચમાં લોકો પાસેથી રૂપિયા લીધા, પરંતુ નક્કી કરેલા સમય બાદ પણ રોકાણકારોને પૈસો પાછા આપ્યા નથી.

શું છે જાવેદ હબીબનો ફ્રોડ કેસ?

હબીબ અને તેમના સાથીઓએ Follicle Global Company (FLC) નામની નકલી યોજના દ્વારા લોકો પાસેથી મૂડીરોકાણ કરાવ્યું હતું. આ યોજનામાં રોકાણકારો પાસેથી 5થી 7 લાખ રૂપિયા સુધી લેવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે તેમને બિટકોઈન (Bitcoin) અને બાઈનાન્સ કોઈન (Binance Coin)માં 50 ટકાથી 70 ટકા સુધીનું રિટર્ન મળશે.

સંભલના રોયલ પેલેસ વેન્કેટ હોલમાં 2023માં એક ઇવેન્ટ પણ યોજાઈ હતી, જેમાં આ સ્કીમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યાનુસાર આશરે 150 લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ કોઈને રિટર્ન નથી મળ્યું.

પોલીસની કડક કાર્યવાહી, લુકઆઉટ નોટિસ જાહેર

સંભલ પોલીસે જણાવ્યું છે કે કુલ 5થી 7 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ કારણે જાવેદ હબીબ, તેમના પુત્ર અને પરિવાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે જેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે.

વકીલ પવન કુમારે જણાવ્યું હતું કે અમે સંપૂર્ણ રીતે પોલીસની તપાસમાં સહકાર આપી રહ્યા છીએ, પરંતુ હબીબની તબિયત હાલ સારી નથી.