13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી: હરીશ રાણાએ મંગળવારે AIIMS(ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ)માં અંતિમ શ્વાસ લીધા. સમાચાર સંસ્થા PTIના સૂત્રો મુજબ આ માહિતી જાહેર કરવામાં આવી છે. હરીશ રાણા એવા વ્યક્તિ હતા જેમને સુપ્રીમ કોર્ટ તરફથી ઈચ્છા મૃત્યુની પરવાનગી મળી હતી. 13 વર્ષથી વધુ સમય સુધી કોમામાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેમના માતાપિતાની અરજી પર આ પરવાનગી આપી હતી. માહિતી મુજબ, ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણાને 14 માર્ચે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 માર્ચથી તેમનો પ્રવાહી ખોરાક અને 17 માર્ચથી પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એઈમ્સના ડોક્ટર્સે હરીશ રાણાની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવા માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન દર્દીની ગરિમા જળવાઈ રહે તે માટે ડો. સીમા મિશ્રાના નેતૃત્વમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સતત દેખરેખ રાખી રહી હતી. એનેસ્થેસિયાના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયામાં પોષણ ધીમે ધીમે ઘટાડીને બંધ કરવામાં આવે છે અને પીડા રાહતની દવાઓ ચાલુ રખાય છે.

31 વર્ષીય હરીશ રાણા વર્ષ 2013માં પંજાબ યુનિવર્સિટીમાં B.Techના વિદ્યાર્થી હતા. ત્યારે ચોથા માળની બાલ્કનીમાંથી પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારથી તેઓ કોમામાં છે. સુપ્રીમ કોર્ટે 11 માર્ચે તેમને ‘પેસિવ યુથેનેશિયા’/ઈચ્છા મૃત્યુની પ્રક્રિયા માટે મંજૂરી આપી હતી.