નવી દિલ્હીઃ હરિયાણા અને રાજસ્થાને સોમવારે 1994ના અપર યમુના રિવર બોર્ડ કરારને અમલમાં મૂકવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે લગભગ 32 વર્ષથી અટવાયેલો યમુના જળ પ્રોજેક્ટનો માર્ગ મોકળો થયો છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, હરિયાણાના મુખ્ય મંત્રી અને રાજસ્થાનના મુખ્ય મંત્રીની હાજરીમાં આ કરાર કરવામાં આવ્યો છે. આ યમુના જળ પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂ. 34,102 કરોડ છે. આ યોજનાથી રાજસ્થાનના પાણીની ગંભીર અછત ધરાવતા વિસ્તારોને લાંબા ગાળાની પીવાના પાણીની સુરક્ષા મળશે, જ્યારે નવી જળ માળખાકીય સુવિધાઓ દ્વારા હરિયાણાના કેટલાક વિસ્તારોને પણ લાભ થશે.
1994ના કરારના અમલીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું
હરિયાણા અને રાજસ્થાન વચ્ચે થયેલો આ MoU વર્ષ 1994ના અપર યમુના રિવર બોર્ડ કરારના અમલીકરણ માટે છે. આ કરાર યમુના નદીના પાણીની વહેંચણી અને સંચાલન માટે બેઝિન રાજ્યો વચ્ચેનો મુખ્ય આધાર છે. રાજસ્થાનના મુખ્ય મંત્રીએ આ સમજૂતીને રાજ્ય માટે ઐતિહાસિક ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી અટવાયેલો વિવાદ હવે ઉકેલાયો છે અને તેનું શ્રેય કેન્દ્ર સરકારને જાય છે.
VIDEO | Delhi: Haryana, Rajasthan sign MoU to implement 1994 Upper Yamuna River Board Agreement. Union Home Minister Amit Shah, Haryana CM Nayab Singh Saini, Rajasthan CM Bhajan Lal Sharma attend MoU signing.#Yamuna
(Full video available on PTI Videos -… pic.twitter.com/wpmVX3U5nh
— Press Trust of India (@PTI_News) June 29, 2026
તેમણે વધુમાં કહ્યું હતું કે વડા પ્રધાનના ‘વિકસિત ભારત’ના વિઝનમાં જળ સુરક્ષા મહત્વનો આધારસ્તંભ છે. યમુના જળ પ્રોજેક્ટ ઉપરાંત નર્મદા પ્રોજેક્ટ, જળ જીવન મિશન, કેન-બેતવા લિંક પ્રોજેક્ટ અને રામ જળ સેતુ લિંક જેવી યોજનાઓ પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

કરારના મુખ્ય મુદ્દાઓ
- કરાર મુજબ યમુનાના પાણીમાં રાજસ્થાનને ફાળવાયેલા 577 મિલિયન ઘન મીટર (MCM) પાણીનો હિસ્સો હરિયાણાના હથનિકુંડ બેરાજથી રાજસ્થાનના ચુરુ જિલ્લાના હંસિયાવાસ જળાશય સુધી લગભગ 5 કિલોમીટર લાંબી ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવશે.
- આ પરિયોજનામાં 6 મીટર વ્યાસની ત્રણ ભૂગર્ભ પાઇપલાઇનો, નિરીક્ષણ માર્ગો, કૃત્રિમ જળાશયો અને આધુનિક જળ વ્યવસ્થાપન પ્રણાલીનું નિર્માણ કરવામાં આવશે.
- આ સમગ્ર માળખું એવી રીતે તૈયાર કરવામાં આવશે કે હરિયાણાનાં 10 સ્થળોએ પીવાનું પાણી પણ ઉપલબ્ધ થઈ શકે. એટલે આ યોજના બંને રાજ્યો માટે લાભદાયી સાબિત થશે.




