HC ત્રણ મહિનાથી વધુ ચુકાદો અનામત ના રાખેઃ SCનો નિર્દેશ

નવી દિલ્હી: દેશની હાઇકોર્ટોમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસો અને ચુકાદાઓમાં થતા વિલંબને લઈને સુપ્રીમ કોર્ટે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે હાઇકોર્ટમાં રિઝર્વ રાખવામાં આવેલા ચુકાદા વધુમાં વધુ ત્રણ મહિનાની અંદર જાહેર કરવા પડશે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.

જામીન મામલાઓ અંગે પણ મોટો આદેશ

ખંડપીઠ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે હાઇકોર્ટમાં રિઝર્વ ચુકાદા વધુમાં વધુ ત્રણ મહિનાની અંદર જાહેર કરવાના રહેશે. એ ઉપરાંત જામીન સંબંધિત કેસોમાં શક્ય હોય તો બીજા જ દિવસે ચુકાદો આપવો પડશે અને તે જ દિવસે જેલ અધિકારીઓને પણ તેની જાણ કરવી પડશે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે જ્યાં વ્યક્તિ કસ્ટડીમાં હોય તેવા કેસોમાં અંડરટ્રાયલ કેદીને તે જ દિવસે અથવા વધુમાં વધુ બીજા દિવસે મુક્ત કરવાની કાર્યવાહી કરવી પડશે.

ચુકાદાનું સંપૂર્ણ કારણ વેબસાઇટ પર અપલોડ કરવું ફરજિયાત

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટમાં પહેલા માત્ર ઓપરેટિવ ભાગ (મુખ્ય નિર્ણય) જાહેર કરાશે, જ્યારે વિગતવાર કારણો સાત દિવસની અંદર વેબસાઇટ પર અપલોડ કરવાનાં ફરજિયાત રહેશે. ચુકાદો રિઝર્વ રાખવાની તારીખ હાઇકોર્ટની વેબસાઇટ પર દર્શાવવી ફરજિયાત રહેશે. જો આ સૂચનાઓનું પાલન નહીં થાય તો કેસને બીજી બેન્ચને સોંપી શકાય છે. જો 30 દિવસની અંદર ચુકાદાનાં કારણો અપલોડ નહીં થાય તો કેસ નવી બેન્ચને ટ્રાન્સફર કરી શકાય છે.

સુપ્રીમ કોર્ટના આદેશની સંપૂર્ણ વાત

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો કોઈ ચુકાદો ત્રણ મહિનાની અંદર જાહેર નહીં થાય તો હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તે મામલો ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરશે. ત્યાર બાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વધુમાં વધુ બે સપ્તાહનો સમય આપી શકે છે. જો ત્યાર બાદ પણ ચુકાદો જાહેર નહીં થાય તો કેસ બીજી બેન્ચને સોંપી શકાય છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે જો ઓપરેટિવ ભાગ જાહેર થયા પછી 15 દિવસની અંદર વિગતવાર કારણો અપલોડ નહીં થાય તો અરજી કરી શકાય છે. જો 30 દિવસ સુધી કારણો અપલોડ નહીં થાય તો કેસ પાછો ખેંચીને નવી બેન્ચ સમક્ષ સુનાવણી માટે મોકલવાની અરજી કરી શકાય છે. દલીલો પૂર્ણ થયા પછી ચુકાદો રિઝર્વ રાખવાની તારીખ હાઇકોર્ટની વેબસાઇટ પર દર્શાવવામાં આવશે.