પ્રયાગરાજઃ કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી માટે બેવડી નાગરિકતા મામલે મુશ્કેલીઓ વધી ગઈ છે. અલાહાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું હતું કે રાહુલની વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ.
રાહુલ ગાંધી પર ભારત સાથે-સાથે UKની પણ નાગરિકતા હોવાનો આરોપ છે. આ મામલે વિજ્ઞેશ શિશિરે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને દાવો કર્યો હતો કે રાહુલ પાસે બે દેશોના પાસપોર્ટ હોવાની શક્યતા છે, જે ભારતીય કાયદાનો ભંગ ગણાય છે. આ મુદ્દે લાંબા સમયથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે સરકારને સંબંધિત રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું હતું.
આ પહેલાં લખનૌની વિશેષ MP/MLA કોર્ટ 28 જાન્યુઆરીએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ માગતી અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ શિશિર ફરીથી કોર્ટમાં પહોંચ્યા હતા. MP/MLA કોર્ટે કહ્યું હતું કે નાગરિકતા મુદ્દે નિર્ણય આપવા માટે તે સક્ષમ નથી.
યાચિકાકર્તાએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવા અને મામલે વિગતવાર તપાસ કરવાની માગ કરી છે. તેમણે ભારતીય ન્યાય સંહિતા સરકારી ગોપનીયતા અધિનિયમ, વિદેશી અધિનિયમ અને પાસપોર્ટ અધિનિયમ હેઠળ અનેક આરોપો લગાવ્યા છે.
આ મામલે અગાઉની સુનાવણી દરમિયાન પીઠે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા અંગે મળેલી ફરિયાદ પર તેણે શું કાર્યવાહી કરી છે.
#BREAKING: The Allahabad High Court has directed the Uttar Pradesh Police to register an FIR against Lok Sabha Lop Rahul Gandhi in an alleged dual citizenship case. The order was passed by Justice Subhash Vidhyarthi, directing police to investigate the matter further. pic.twitter.com/pwgqKySxCo
— IANS (@ians_india) April 17, 2026
રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીમાં શું છે?
આ અરજીમાં 28 જાન્યુઆરી 2026એ લખનૌની સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ આદેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માગ ફગાવી દેવામાં આવી હતી. નીચલી કોર્ટે કહ્યું હતું કે નાગરિકતાનો મુદ્દો નક્કી કરવાનો અધિકાર તેના પાસે નથી. અરજદારે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવી વિસ્તૃત તપાસ કરવાની માગ કરી છે. ત્યાર બાદ હાઈકોર્ટે મામલાની સુનાવણી માટે 15 એપ્રિલની તારીખ નક્કી કરી હતી.


