નવી દિલ્હીઃ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદાર ઘાટીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી થઈ છે. કેદાર ઘાટીમાં વાદળ ફાટવાને કારણે અનેક ઘરો કાટમાળ હેઠળ દટાઈ ગયાં છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં પણ વાદળ ફાટ્યું છે. આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પર્વતોમાંથી કાટમાળ નીચે પડતો જોવા મળે છે અને ઘણાં વાહનો તેમાં દટાઈ ગયા છે. વિડિયોમાં ઘણાં ઘરોને પણ નુકસાન થતું જોવા મળ્યું છે. હાલ તો એ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે કેટલું નુકસાન થયું છે, પરંતુ લોકો ભયભીત છે અને હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
રૂદ્રપ્રયાગ જિલ્લામાં ગઈ રાતથી મુસળધાર વરસાદ ચાલુ છે, જેને કારણે મોટા પાયે નુકસાન થયું છે. રાત્રે રૂમસી ગામના ઉપર વાદળ ફાટ્યું હતું, જેને કારણે બેડુબગડ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે. અનેક રહેણાક મકાનોમાં કાટમાળ ઘૂસી ગયો છે અને અડધા ડઝનથી વધુ વાહનો તેની નીચે દટાઈ ગયાં છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે સવારે 8 વાગ્યા સુધી પણ કોઈ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી નહોતી, જેને કારણે ગ્રામજનોમાં અસંતોષ જોવા મળ્યો. જોકે માનવજાનિની કોઈ માહિતી મળી નથી, પણ અનેક પરિવારોએ પોતાનું ઘર છોડી સુરક્ષિત સ્થળો તરફ જવું પડ્યું છે. વહીવટી તંત્રએ નુકસાનનો અંદાજ લગાવવાનો શરૂ કર્યો છે.
કેદારનાથ યાત્રા પર અસર
ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રામાર્ગ પણ અસરગ્રસ્ત થયો છે. ગૌરીકુંડ નજીક રાત્રે પર્વત ખસી ગયો અને મોટા પથ્થરો પદયાત્રાના રસ્તા પર પડ્યા, જેના કારણે યાત્રાનો માર્ગ સંપૂર્ણ બંધ થયો છે. પોલીસ અને વહીવટી તંત્રે તમામ યાત્રાળુઓને સુરક્ષિત સ્થળે અટકાવી દીધા છે અને યાત્રા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. માર્ગમાંથી કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
Heavy destruction due to cloudburst in kedar valley of rudraprayag
