નવી દિલ્હીઃ દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. તેને કારણે અનેક રાજ્યોમાં હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હવામાન વિભાગ (IMD) એ દેશનાં 17થી વધુ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી પાંચ દિવસ દેશના અનેક વિસ્તારો માટે ભારે વરસાદવાળા રહેશે. બીજી તરફ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી કેટલાંક સ્થળોએ ભીષણ લૂની સ્થિતિ પણ યથાવતે રહેવાની શક્યતા છે.
IMD અનુસાર ચોમાસાની ઉત્તરીય સીમા (NLM) હાલમાં સુરત, ઈન્દોર, માંડલા, ડાલ્ટનગંજ અને મોતીહારીમાંથી પસાર થઈ રહી છે. આગામી બે દિવસમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. ત્યાર બાદના 2-3 દિવસમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું પહોંચી જશે.
આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ ભારત તેમ જ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 7થી 20 સેમી સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
દિલ્હી-એનસીઆરથી લઈને ઉત્તર પ્રદેશ સુધી હવામાનની સ્થિતિ
ઉત્તર-પશ્ચિમ ભારતમાં 2 જુલાઈથી નવો પશ્ચિમી વિક્ષોભ સક્રિય થશે, જેના કારણે મેદાની વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધશે.
મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી
મધ્ય ભારત (મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ)
- મધ્ય પ્રદેશમાં 1થી 5 જુલાઈ દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા છે. 2થી 4 જુલાઈ વચ્ચે અતિ ભારે વરસાદનું એલર્ટ છે.
- છત્તીસગઢમાં 29 જૂનથી 5 જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે.
- વિદર્ભમાં 29 જૂનથી 2 જુલાઈ સુધી ભારે વરસાદ અને 3-4 જુલાઈએ અતિ ભારે વરસાદની શક્યતા છે.
ચોમાસું આગળ વધતાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચાર જુલાઈ સુધી મહત્તમ તાપમાનમાં 4થી 5 ડિગ્રી સેલ્સિયસનો ધીમે-ધીમે ઘટાડો થશે. મહારાષ્ટ્રમાં 3 જુલાઈ સુધી તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જ્યારે મધ્ય પ્રદેશમાં 2 જુલાઈ બાદ અને ગુજરાતમાં પહેલી જુલાઈ બાદ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની શક્યતા છે.




