અમદાવાદઃ લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. વહેલી સવારથી વરસાદે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના બે જિલ્લામાં રેડ એલર્ટ, છ જિલ્લામાં યલો એલર્ટ અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સુરેન્દ્ર નગર અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આશંકા છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
આ સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ રહેશે. આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં પણ યલો એલર્ટ રહેશે.
ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા રાજ્યના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના બાકીના જિલ્લામાં મધ્યમથી ભારે છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે.અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પણ પાણી ભરાયાં છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે આજે શહેરમાં 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગાંધીનગરમાં 0.94 ઈંચ, સુરતમાં 0.43, છોટા ઉદેપુરમાં 0.39 અને નર્મદામાં 0.35 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય તાપીમાં 0.24, વલસાડ 0.12, જૂનાગઢ અને બનાસકાંઠામાં 0.08 તેમ જ મહેસાણા, કડી, ડાંગ, નવસારી અને તાપીમાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.




