ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં મેઘમહેર, સુરતમાં ધોધમાર વરસાદ

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ચાર કલાકની અંદર 28 તાલુકામાં વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

4 કલાકમાં 28 તાલુકામાં મેઘમહેર
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, 30 જૂનના રોજ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરત સિટીમાં 2 ઇંચ, કામરેજમાં 1.42 ઇંચ, ઓલપાડમાં 1.34 ઇંચ, માંગરોળમાં 1.18 ઇંચ, વલસાડના ધરમપુર અને સુરતની ચોરાસીમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારી, તાપીના વ્યારા, સુરતના ઉમરપાડા, બારડોલી, વાપી, કપરાડા, અમરેલીના રાજુલા, જાફરાબાદ, ભરૂચના ઝઘડિયા, રાજકોટના જસદણ સહિત 22 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, સુરત સિટીમાં 2.60 ઇંચ, તાપીના વાલોડમાં 2.05 ઇંચ, સુરતના માંગરોળ અને કામરેજમાં 1.65 ઇંચ, પલસાણામાં 1.34 ઇંચ, વલસાડના ઉમરગામમાં 1.06 ઇંચ, બોટાદના રાણપુર અને નવસારીના ચીખલીમાં વલસાડ, પારડી, કપરાડા અને વાપી જેવા વિસ્તારોમાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.