કચ્છનું માંડવી પાણીમાં ગરકાવ, 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

કચ્છ: રાજ્યમાં સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં મંગળવાર સવારથી જ તોફાની બેટિંગ જોવા મળી રહી છે.

કચ્છના અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર

કચ્છ જિલ્લામાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે.  જેમાં માંડવીમાં સૌથી વધુ 6.97 ઈંચ, મુન્દ્રામાં 1.57 ઈંચ, ભુજમાં 1.26 ઈંચ, નખત્રાણામાં 1.02 ઈંચ, લખપતમાં 0.79 ઈંચ, ગાંધીધામમાં 0.63 ઈંચ અને અંજારમાં 0.55 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય પોરબંદર, ઓખામંડળ, સુરત શહેર, કોડિનાર, જામનગર, રાણાવાવ, જાફરાબાદ અને ગીર સોમનાથના વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છ પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે (15મી સપ્ટેમ્બર સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30થી 10 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 16થી 18મી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ભારે વરસાદનું જોર ઘટશે.