ધોળકા (અમદાવાદ): અષાઢની શરૂઆતમાં જ મેઘરાજાની તોફાની બેટિંગે રાજ્યના અનેક તાલુકામાં પૂરની સ્થિતિ સર્જી દીધી છે. અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકો વ્યાપક વરસાદથી ભારે પ્રભાવિત થયો છે. ધોળકા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો, આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને ખેતરોમાં હજુ પણ ચારેતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.

જી.ઈ.બી. સબ સ્ટેશન વિસ્તાર અને સોસાયટીઓમાં પાણી:
ધોળકા શહેરના જી.ઈ.બી. સબ સ્ટેશન વિસ્તારના માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચંદ્રમૌલેશ્વર મહાદેવ નજીકની સોસાયટીના રહીશ જગદીશ ખત્રીએ જણાવ્યું હતું કે, “1973ના વર્ષ પછી અમે આટલો ભારે વરસાદ અને જળબંબાકાર પહેલીવાર જોયો છે. ઊંચા ડિવાઇડરો પરથી પાણી વહી રહ્યા હતા અને પાણી ઘરોમાં ઘૂસી જતાં અનાજ, ખાદ્યસામગ્રી તથા ઘરવખરી સંપૂર્ણ પલળી ગઈ હતી. નકામું થઈ ગયેલું અનાજ લોકોએ રસ્તા પર ફેંકવાની ફરજ પડી છે.”

ચલોડા-રનોડા ગામની સ્થિતિ અને પરાંઓમાં તરાપા
ધોળકા રોડ પર આવેલા ચલોડા અને રનોડા ગામના કેટલાક પરાંઓમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખેતરોની રક્ષણાત્મક દીવાલો તૂટી જતાં પાણી સીધા ઘરોમાં ઘૂસી આવ્યા હતા. લોકોને ઘરવખરી બચાવવાનો પણ સમય મળ્યો નહોતો. ઘરોમાં હજી પાણી ભરાયેલા છે અને લોકો પરાંના વિસ્તારોમાં તરાપા (રાફ્ટ) બાંધીને અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે ખેતરોમાં ભરાયેલા આ પાણી દિવાળી સુધી ઉતરે તેવી કોઈ શક્યતા લાગતી નથી.

ડિવાઇડરો, ટ્રી-ગાર્ડ્સ અને રોડ ડિવાઇસને મોટું નુકસાન
અમદાવાદ-ધોળકા માર્ગ પર વન વિભાગ દ્વારા બંને તરફ અને ડિવાઇડર પર લગાડેલા ટ્રી-ગાર્ડ સાથેના અસંખ્ય વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે. અનેક ટ્રી-ગાર્ડ્સ પાણીના ભારે પ્રવાહમાં ગરકાવ થયા છે.

તે ઉપરાંત, રાત્રિ દરમિયાન વાહનચાલકો સામેથી આવતી લાઈટોથી અંજાય નહીં તે માટે ડિવાઇડર પર મૂકવામાં આવેલા નવા સાધનો અને લાઈટ રિફ્લેક્ટર્સ પણ ધરાશાયી થઈ ગયા છે. માર્ગો પરના થાંભલાઓ પર પૂરના પાણીમાં તણાયેલા વાહનોની નંબર પ્લેટો લટકતી જોવા મળી રહી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




