આંખના પલકારામાં તબાહ થઈ શાળા

સાક્ષાત્ કાળ બનીને આવ્યો પૂરનો પ્રવાહ, પણ શિક્ષકની સમયસૂચકતાએ ૧૬૪૩ માસૂમોનો જીવ બચાવ્યો: નેપાળના હિરો પ્રિન્સિપાલની સાહસકથા

નેપાળમાં હિમાલયની પહાડીઓ પરથી ધસમસતા આવેલા કાદવ, બરફ અને પાણીના ભયાનક પૂર વચ્ચે એક પ્રિન્સિપાલની સમયસૂચકતા અને સાહસની વિરલ ગાથા સામે આવી છે. નુવાકોટ જિલ્લાની ત્રિશૂલી ઘાટીમાં આવેલી ત્રિભુવન ત્રિશૂલી સેકન્ડરી સ્કૂલ પર પૂરના કાળમુખા પાણી ફરી વળે તે પહેલાં જ શાળાના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીએ ૧,૬૪૩ બાળકોને સુરક્ષિત બહાર કાઢીને નવું જીવન આપ્યું છે.

બુધવારે સવારે આશરે ૯:૨૦ વાગ્યે પ્રિન્સિપાલ દવાડીને તેમના એક મિત્રનો ફોન આવ્યો કે ઉપરના વિસ્તારમાં નદીના પૂરમાં આખું ગામ તણાઈ ગયું છે અને જળપ્રલય શાળા તરફ વધી રહ્યો છે. શાળા નદી કિનારેથી ૬૦ મીટર ઊંચાઈએ આવેલી મજબૂત ત્રણ માળની ઈમારતમાં હોવા છતાં, દવાડીએ જોખમ ન લેતાં ત્વરિત ઈમરજન્સી બેલ વગાડી દીધો. તેમણે તમામ શિક્ષકોને વર્ગખંડો ખાલી કરાવવા સૂચના આપી અને બાળકોને પહાડી તરફ દોડાવ્યા. પ્રિન્સિપાલ પોતે તમામ બાળકોની પાછળ રહ્યા જેથી કોઈ માસૂમ રસ્તામાં રહી ન જાય.

બધા બાળકો સુરક્ષિત ઊંચાઈ પર આવેલા એક બોધિવૃક્ષ નીચે પહોંચ્યાના ગણતરીના મિનિટોમાં જ પૂરના ભયાનક મોજાંઓએ આખી શાળાને જમીનદોસ્ત કરી દીધી. જ્યાં થોડી ક્ષણો પહેલાં બાળકો કિલકિલાટ કરતા હતા, ત્યાં માત્ર કાદવ, કાટમાળ અને તબાહીનું મંજર બાકી રહ્યું.

પ્રિન્સિપાલની નિર્ણયશક્તિએ ૧,૬૪૩ ઘરોના ચિરાગ બુઝાતા બચાવી લીધા, પરંતુ તેઓ પોતાના બે સાથીઓને બચાવી શક્યા નહીં. ઈતિહાસના ૩૨ વર્ષીય શિક્ષક સંતોષ પરિયાર અને શાળાના ચોકીદાર સુલતાન લામા આ જળપ્રલયની ચપેટમાં આવી જતાં કાળધર્મ પામ્યા હતા. લેંગટાંગ લિરુંગ શિખર પરથી ૫૦ એકર જેટલો વિશાળ હિમખંડ તૂટી પડતાં આ વિનાશક ફ્લેશ ફ્લડ આવ્યું હતું. પ્રિન્સિપાલ દવાડી આજે આખા દેશ માટે એક દૈવી ફ્રિશ્તો બનીને ઉભર્યા છે.