દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાના ઈનપુટ્સ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ‘હાઈ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, આતંકીઓ આત્મઘાતી હુમલા, વાહન આધારિત IED વિસ્ફોટ અથવા અંધાધૂંધ ગોળીબાર કરવાની ફિરાકમાં છે. આ ગંભીર ખતરાને જોતા દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓએ રણનીતિક વિસ્તારોમાં કિલ્લેબંધી કરી દીધી છે.

ભાજપ મુખ્યાલય અને સંવેદનશીલ સ્થળો પર સખત પહેરો
સૂત્રોના જણાવ્યા અનુસાર, દીન દયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલી ભારતીય જનતા પાર્ટીની મુખ્ય ઓફિસ અને તેની આસપાસની સરકારી કચેરીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં વધારાના સશસ્ત્ર પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે, ઠેર-ઠેર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને દરેક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભીડભાડવાળા વિસ્તારો, બજારો અને ટ્રાન્સપોર્ટ હબ પર એન્ટી-સબોટાજ તપાસ તેજ કરવામાં આવી છે.
ISI મોડ્યુલ અને જૂના બનાવોની કડીઓ
તાજેતરમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે કામ કરતા શહઝાદ ભટ્ટી મોડ્યુલના 9 આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ મોડ્યુલ દિલ્હીમાં ‘ટાર્ગેટ કિલિંગ’ અને પ્રખ્યાત મંદિરો પર હુમલાની યોજના બનાવી રહ્યું હતું. આ ઉપરાંત, 10 નવેમ્બર 2025ના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં 12 લોકોના મોત બાદ NIA સતત તપાસ કરી રહી છે. આ વિસ્ફોટમાં જૈશ-એ-મોહમ્મદના કનેક્શન અને ડોક્ટરોના મોડ્યુલની સંડોવણી સામે આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ હવે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી.

