પંજાબ: મુખ્યમંત્રી ભગવંત માનના ખાસ સહયોગી અને ઓએસડી (OSD) રાજબીર સિંહ ઘુમણ સામે વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે CBI તપાસના આદેશ આપ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પંજાબ પોલીસના ડીજીપીને પત્રો લખીને બદલી-પોસ્ટિંગ, જમીનનો ઉપયોગ બદલવા (CLU) અને હથિયાર લાયસન્સ મંજૂર કરાવવા સંબંધિત ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અંગે જાણ કરવામાં આવી હતી. જોકે, પંજાબ પોલીસે આ પત્રો પર કોઈ યોગ્ય કાનૂની કાર્યવાહી ન કરતા અને એફઆઈઆર (FIR) નોંધવામાં નિષ્ફળ રહેતા આ મામલે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી.
સોમવારે આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે પંજાબ પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા હતા અને સમગ્ર કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો હુકમ કર્યો છે. કોર્ટે સીબીઆઈને તાત્કાલિક ફોજદારી કેસ નોંધીને બે મહિનાની અંદર આ મામલે તપાસ અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
બીજી તરફ, મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટી (AAP)એ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. તેમણે કેન્દ્ર સરકાર પર ED અને CBI જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓને નિશાન બનાવવાનો અને પંજાબ સરકારને બદનામ કરવાનો આક્ષેપ કર્યો છે.






