સોરેન સરકારના SSC-CGL પરીક્ષા રદ કરવાના નિર્ણયને હાઈકોર્ટે ફગાવ્યો

રાંચીઃ ઝારખંડ હાઈકોર્ટે શુક્રવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં હેમંત સોરેન સરકારના નિર્ણયને રદ કર્યો છે. હાઈકોર્ટે ઝારખંડ કર્મચારી પસંદગી પંચની સંયુક્ત સ્નાતક સ્તરની (JSSC-CGL) પરીક્ષા રદ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને ફગાવી દીધો છે. હાઈકોર્ટે પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને ‘અયોગ્ય અને અન્યાયપૂર્ણ’ ગણાવ્યો છે.

શું છે મામલો?

હજી થોડા સમય પહેલાં ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓએ મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ રાજ્ય સરકારે વર્ષ 2024ની ઝારખંડ કર્મચારી પસંદગી પંચની સંયુક્ત સ્નાતક સ્તરની (JSSC-CGL) પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે સરકારના આ નિર્ણય સામે પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોએ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. શુક્રવારે ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ દીપક રોશને સરકારના આદેશને રદ કરતાં જણાવ્યું હતું કે સરકારનો નિર્ણય અન્યાયપૂર્ણ અને અયોગ્ય હતો.

સરકાર અને કર્મચારીઓએ શું દલીલો કરી હતી?

ઝારખંડ સરકારે ગત 18 ઓગસ્ટે JSSC-CGL પરીક્ષા 2024 રદ કરી હતી. સરકારના આ નિર્ણયને કારણે હજારો સરકારી કર્મચારીઓની નોકરી પર જોખમ ઊભું થયું હતું. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિઓ અને પેપર લીક થયાના પુરાવા મળવાને કારણે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ, કર્મચારીઓએ હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી નહોતી.

1932 ઉમેદવારોનું ભવિષ્ય જોખમમાં હતું

આ પહેલાં ગત ઓગસ્ટમાં ઝારખંડ હાઈકોર્ટે JPSC બાદ JSSC-CGL પરીક્ષા રદ કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર પણ રોક લગાવી હતી. ઉલ્લેખનીય છે કે JSSC-CGL પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ કુલ 1932 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આમાંથી અનેક ઉમેદવારોને નિમણૂકપત્ર પણ મળી ચૂક્યાં હતાં અને તેઓ વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારના પરીક્ષા રદ કરવાના નિર્ણયથી આ ઉમેદવારો સામે તેમની નોકરી અને ભવિષ્યને લઈને મોટો પ્રશ્ન ઊભો થયો હતો. જોકે, શુક્રવારે હાઈકોર્ટના ચુકાદા બાદ આ 1932 ઉમેદવારોને મોટી રાહત મળી છે.