વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં સફળ રોડ-શોનું આયોજન

ગાંધીનગર: આગામી 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાનાર 11મા ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ (VGGS 2027) પૂર્વે ગુજરાત સરકારે વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષવા અને આર્થિક ભાગીદારી મજબૂત કરવાના પ્રયાસો તેજ કર્યા છે. આ શ્રેણીના ભાગરૂપે, ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2026 દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો સફળ પ્રવાસ કર્યો હતો.

આ ઉચ્ચસ્તરીય ડેલીગેશનનું નેતૃત્વ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામીણ આવાસ તથા સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે 11 વન-ટુ-વન બેઠકો, 4 મંત્રી-સ્તરીય બેઠકો, 8 ક્ષેત્ર-વિશિષ્ટ ગોળમેજી (રાઉન્ડટેબલ) પરિષદો અને 6 મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી, જેમાં 150થી વધુ ઉદ્યોગ અને સરકારના પ્રતિનિધિઓ જોડાયા હતા.

ઓસ્ટ્રેલિયા પ્રવાસની હાઇલાઇટ્સ (26 થી 30 ઓક્ટોબર 2026)

  • મુલાકાતો અને બેઠકો: મેલબર્ન, સિડની અને બ્રિસ્બેનમાં CRT, કોક્સ આર્કિટેક્ચર, ઓસ એનર્જી સ્ટોર અને સેન્ટર ફોર ઓસ્ટ્રેલિયા–ઇન્ડિયા રિલેશન્સ (CAIR) જેવી સંસ્થાઓ સાથે 9 વન-ટુ-વન બેઠકો યોજાઈ.

  • મંત્રી-સ્તરીય સહયોગ: ન્યૂ સાઉથ વેલ્સના મંત્રી શ્રી અનુલેક ચન્થીવોંગ, સાંસદ વોરેન કિર્બી અને માર્ક જોસેફ કૂરે સાથે 3 મહત્વપૂર્ણ બેઠકોમાં દ્વિપક્ષીય વેપાર અને રોકાણ અંગે ચર્ચા થઈ.

  • રાઉન્ડટેબલ પરિષદો: સ્માર્ટ એનર્જી કાઉન્સિલ અને ઇનોવેશન ગ્લોબલ સાથે મળીને 6 ગોળમેજી બેઠકો આયોજિત કરાઈ, જેમાં ક્રિટિકલ મિનરલ્સ, રિન્યૂએબલ એનર્જી, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી વિશે વિસ્તૃત ચર્ચા થઈ.

  • મુલાકાત લીધેલા સ્થળો: મોનાશ યુનિવર્સિટી, MCG, માર્વેલ સ્ટેડિયમ અને ગાબા સ્ટેડિયમનો સમાવેશ થાય છે.

ન્યૂઝીલેન્ડ પ્રવાસની હાઇલાઇટ્સ (1 અને 2 નવેમ્બર 2026)

  • ઓકલૅન્ડ ખાતે આયોજન: ન્યૂઝીલેન્ડના હેલ્થ તથા એનર્જી મંત્રી શ્રી સિમોન બ્રાઉન સાથે મંત્રી-સ્તરીય બેઠક યોજાઈ તથા કૉન્ટ્રેક્ટ એનર્જી અને સર્વિસ ફૂડ્સ સાથે વન-ટુ-વન વાટાઘાટો થઈ.

  • બીઝનેસ કાઉન્સિલ મીટિંગ: INZBC અને INZCCIના નેજા હેઠળ 2 ગોળમેજી બેઠકોમાં 50થી વધુ ક્ષેત્રીય નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો જોડાયા.

  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિઝિટ: કૉન્ટ્રેક્ટ એનર્જીના ગ્લૅનબ્રૂક ઓહુરુઆ બેટરી પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત લઈ ગ્રીડ-સ્કેલ એનર્જી સ્ટોરેજ પ્રણાલીની સમીક્ષા કરી.

પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં વસતા એનઆરઆઈ (NRI) તથા બિન-નિવાસી ગુજરાતી સમુદાય સાથે 3 સંવાદ કાર્યક્રમો યોજીને તેમને VGGS 2027માં ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.