અમદાવાદ: મહાત્મા મંદિર, રાજકોટ કોર્ટ અને નાયરા રિફાઇનરી સહિત રાજ્યના અતિસંવેદનશીલ સ્થળોને બોમ્બ અને ડ્રોન હુમલાથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. અગાઉ સચિવાલય, હાઇકોર્ટ અને શાળાઓને મળેલી ધમકીના કિસ્સામાં આરોપીઓ પકડાયા છે. તેના ગણતરીના દિવસોમાં જ ફરી એકવાર ખાલિસ્તાની જૂથના નામે ઈ-મેઇલ મારફતે નવી ધમકી મળતાં પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે.
મેઇલમાં રાજ્યના મહત્ત્વના સ્થળોનો ઉલ્લેખ
રાજકોટ કોર્ટના ઓફિશિયલ ઈ-મેઇલ આઈડી તેમજ બાર એસોસિયેશનને એક ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હતો. આ ઈ-મેઇલમાં રાજકોટ કોર્ટ ઉપરાંત જામનગર, વાડીનાર પોર્ટ, સિક્કા પોર્ટ અને નાયરા રિફાઇનરી જેવા અતિસંવેદનશીલ ઔદ્યોગિક વિસ્તારોમાં ડ્રોન દ્વારા હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત, ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ગર્ભિત ધમકી પણ ઈ-મેઇલમાં આપવામાં આવી છે.
ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં જ કોર્ટ સત્તાધીશો અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્યની સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસને તુરંત એલર્ટ કરી દેવામાં આવી છે. હાલ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ હાથ ધરીને ઈ-મેઇલ ક્યાંથી અને કયા આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.




