ભારતીય મહિલા હોકી ટીમે ચીનને હરાવી જીત્યો ગોલ્ડ

આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026 માં શુક્રવારે ભારતીય રમતગમત ઇતિહાસનો એક સુવર્ણ અધ્યાય લખાયો છે. કાકામિગાહારાના ગિફુ પ્રિફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમ ખાતે રમાયેલી મહિલા હોકીની રોમાંચક ફાઇનલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 1-0 થી ધૂળ ચાટતી કરી ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. ભારતે 44 વર્ષના લાંબા વિરામ બાદ એશિયન ગેમ્સમાં મહિલા હોકીનો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઐતિહાસિક જીતની સાથે જ ભારતે લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 (LA 2028) માટે સીધું ક્વોલિફિકેશન પણ મેળવી લીધું છે. કેપ્ટન સલીમા ટેટેની આગેવાની અને હેડ કોચ સોર્ડ મારીનેની વ્યૂહરચના હેઠળ મળેલી આ જીત ભારતીય રમતગમતમાં કાયમ યાદ રહેશે.

લાલરેમસિઆમીનો વિજયી ગોલ અને સવિતા પુનિયાની ‘દિવાલ’ જેવી ડિફેન્સ

મેચની શરૂઆતથી જ ભારતીય ટીમે આક્રમક રમત દાખવી હતી. મેચની 10મી મિનિટે કેપ્ટન સલીમા ટેટે અને સાક્ષી રાણાના ઉત્કૃષ્ટ મુવ બાદ લાલરેમસિઆમીએ જોરદાર રિવર્સ-હિટ ફિનિશ સાથે ગોલ કરીને ભારતને 1-0 ની લીડ અપાવી હતી. બીજા ક્વાર્ટરમાં ચીની ટીમે પુનરાગમન કરવા માટે ખૂબ આક્રમક પ્રહાર કર્યા હતા. ચીનને સતત 2 પેનલ્ટી કોર્નર મળ્યા હતા અને 23મી મિનિટે એક પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો હતો. જોકે, ભારતીય દિગ્ગજ ગોલકીપર સવિતા પુનિયાએ ચીનની ઝાંગ યિંગના પેનલ્ટી સ્ટ્રોકને અદભુત રીતે રોકીને ચીનની ગોલ કરવાની આશા પર પાણી ફેરવી દીધું હતું.

ચીનના તમામ હુમલા ભારતીય ડિફેન્સે કર્યા નાકામ

ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં પણ ચીની ખેલાડીઓએ સતત એટેક ચાલુ રાખ્યા હતા. ત્રીજા ક્વાર્ટરમાં ચીનને કુલ 3 પેનલ્ટી કોર્નર મળ્યા હતા. એક તબક્કે અમ્પાયરે ચીનને પેનલ્ટી સ્ટ્રોક આપી દીધો હતો, પરંતુ ભારતીય ટીમના વિડીયો રિવ્યુ બાદ આ નિર્ણય બદલાઈને માત્ર પેનલ્ટી કોર્નરમાં ફેરવાઈ ગયો હતો. ચોથા ક્વાર્ટરમાં પણ ચીની ટીમ ભારતીય ડિફેન્સને તોડવામાં નિષ્ફળ રહી હતી. જેવી ફાઇનલ વુસલ વાગી કે તરત જ આખું સ્ટેડિયમ અને ભારતીય ફેન્સ વિજયના જશ્નમાં ડૂબી ગયા હતા.

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હોકીનો ઐતિહાસિક ટ્રેક રેકોર્ડ

એશિયન ગેમ્સમાં મહિલા હોકીનો સમાવેશ 1982 માં થયો હતો, અને પ્રથમ આવૃત્તિમાં જ ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે પછી હવે 2026 માં ભારતે ફરી આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ પહેલા ભારતે 1998 અને 2018 માં ફાઇનલ રમી હતી પરંતુ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ઉપરાંત 1986, 2006, 2014 અને 2022 ના સંસ્કરણમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.