અમદાવાદ : નવરાત્રિ મહોત્સવમાં રાસ ગરબે રમવા માટે યુવાનો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અવનવા પરંપરાગત પહેરવેશની સાથે ‘બોડી પર ટેમ્પરરી ટેટૂ’ ચિતરાવવાનો પણ ટ્રેન્ડ વધ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી શરીરના જુદા જુદા અંગો પર દરેક વય જૂથના લોકો ‘પરમેનેન્ટ અને ટેમ્પરરી’ બંન્ને પ્રકારના ટેટૂ ચિતરાવતા હોય છે.
નવરાત્રિ જેવા મોટા મહોત્સવ દરમિયાન સાંપ્રત વિષયો પર ટેમ્પરરી ટેટૂ ચિતરાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. કેટલાક ટેટૂમાં સમાજ સુધી સકારાત્મક સંદેશો પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે.
અઢાર વર્ષ કરતાં પણ વધારે સમયથી ટેટૂ આર્ટ સાથે જોડાયેલા રાજુભાઇ વાળંદ ચિત્રલેખા.કોમને કહે છે દર વર્ષે દેશ દુનિયામાં બનતી મોટી ઘટનાને યુવાનો નવરાત્રિ દરમિયાન ટેમ્પરરી ટેટૂ દોરાવી સંદેશો આપવા પ્રયાસ કરે છે. આ સાથે દરેક વય જૂથના લોકો શરીર પર અવનવી ડિઝાઇન વાળા ટેટૂ પણ ચિતરાવતા હોય છે.
આ વર્ષે સમગ્ર ઉડતા વિમાનમાં લોકોનો જીવ બચાવી અસાધારણ બહાદુરી બતાવનાર સ્મિત મચ્છર, કોમન વેલ્થ 2030, નેપાળની કુદરતી હોનારત જેવી અનેક ઘટનાઓ પ્રસ્તુત કરવામાં આવી છે.
આ જુદા જુદા ફૂલ જેવી ડિઝાઇન પણ ટેમ્પરરી ટેટૂ દ્વારા શરીર પર દોરવામાં આવી છે. નવરાત્રિ જેવા મોટા મહોત્સવમાં આ પ્રકારના ટેટૂ આકર્ષણનું કેન્દ્ર બને છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




