દુનિયામાં તેલનું સંકટ: હોર્મુઝ નાકેબંધીને કારણે ક્રૂડ ઓઈલ 126 ડોલરને પાર

હોર્મુઝની ખાડીમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા તણાવ અને નાકેબંધીને કારણે કાચા તેલના ભાવ 126 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. વિશ્વના 20% તેલ અને ગેસ સપ્લાય પર તેની અસર પડતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવા માટે સીક્રેટ ડિપ્લોમેટિક કેબલ મોકલ્યો છે. ઈરાને ચેતવણી આપી છે કે જો નાકેબંધી ચાલુ રહેશે તો તેલના ભાવ 140 ડોલર સુધી પહોંચી શકે છે. આ સ્થિતિએ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોંઘવારી અને આર્થિક મંદીનો ભય ઉભો કર્યો છે.

અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા આ ગુપ્ત સંદેશની વિગતો ન્યૂઝ એજન્સી રોઇટર્સ દ્વારા સામે આવી છે. આ સીક્રેટ ડિપ્લોમેટિક કેબલમાં જણાવાયું છે કે હોર્મુઝમાં જહાજોની આઝાદી અને સપ્લાય ચેઈનને પુનઃસ્થાપિત કરવા માટે દુનિયાના શક્તિશાળી દેશોએ એકસાથે આવવું પડશે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને બે મહિના વીતી ગયા હોવા છતાં આ મહત્વનો સમુદ્રી માર્ગ હજુ પણ બંધ છે. તેલની નિકાસ ઈરાનની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને અમેરિકી નૌસેનાની નાકેબંધીને કારણે ઈરાનને અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે, જેના જવાબમાં ઈરાને પણ હોર્મુઝના માર્ગને રોકી દીધો છે.

તેલની કિંમતોમાં અચાનક આવેલા આ ઉછાળા પાછળ એક્સિયોસ (Axios) નો એક અહેવાલ પણ જવાબદાર છે, જેમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન પર નવા સૈન્ય હુમલા કરવાની યોજના અંગે બ્રીફિંગ લેવાના છે. ટ્રમ્પ ઈરાનને પરમાણુ કાર્યક્રમ અટકાવવા અને વાતચીતની ટેબલ પર લાવવા માટે મોટા પાયે સૈન્ય દબાણ વધારી શકે છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં તોફાની તેજી જોવા મળી હતી. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં તેલના ભાવ બમણાથી વધુ થઈ ચૂક્યા છે, જેની સીધી અસર દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી રહી છે.

ઈરાને આ મુદ્દે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેની સુરક્ષા સામે ખતરો રહેશે અને અમેરિકી નાકેબંધી ચાલુ રહેશે, ત્યાં સુધી તે હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને રોકતું રહેશે. ઈરાની અધિકારીઓના મતે અમેરિકાના પ્રતિબંધોની તેમના ઉત્પાદન પર કોઈ ખાસ અસર થઈ નથી, પરંતુ તેની ઉંધી અસર મોંઘવારીના રૂપે દુનિયાને ભોગવવી પડી રહી છે. ઈરાને દાવો કર્યો છે કે આવનારા દિવસોમાં કાચું તેલ 140 ડોલરના સ્તરને પણ પાર કરી શકે છે.

બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની એક આક્રમક તસવીર પોસ્ટ કરીને ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. આ તસવીરમાં ટ્રમ્પ મશીનગન પકડીને ઉભા છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “હું હવે મિસ્ટર નાઈસ (Mr. Nice) રહ્યો નથી.” ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાને વહેલી તકે સમજદાર બનવાની જરૂર છે અને બિન-પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ. આ ગંભીર ભૌગોલિક-રાજકીય તણાવને કારણે અત્યારે આખું વિશ્વ ચિંતામાં છે કે જો હોર્મુઝમાં લાંબો સમય નાકેબંધી રહી તો વૈશ્વિક મોંઘવારી ક્યાં જઈને અટકશે.