મંદિરે જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર બેકાબૂ ટ્રક ફરી વળ્યો: 12 ના મોત, 27 ઈજાગ્રસ્ત

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં શીતળા માતા મંદિર નજીક એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં મંદિર દર્શનાર્થે જઈ રહેલા 12 શ્રદ્ધાળુઓના નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડાંગર (ચોખા) ભરેલા એક બેકાબૂ ટ્રકે રસ્તા પર ચાલી રહેલા શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, આ ટ્રકે પોલીસ ચોકીને તોડી પાડી હતી અને મંદિરના મુખ્ય ગેટ તેમજ બહારની દીવાલને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ગ્વાલિયરના એસએસપી ધર્મવીર સિંહે જણાવ્યું કે આ ભયાનક અકસ્માત રવિવારે મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે બન્યો હતો. ડાંગરથી ભરેલો એક ટ્રક છિનોર તરફથી આવી રહ્યો હતો. જે માર્ગ પર આ દુર્ઘટના ઘટી, ત્યાં ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.

એસએસપી ધર્મવીર સિંહે વધુમાં ઉમેર્યું કે ટ્રક પોલીસ બેરિકેડ તોડીને અચાનક અનિયંત્રિત થઈ રસ્તા પર ધસી આવ્યો હતો. તેણે ચાલીને જઈ રહેલા શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા અને બાદમાં મંદિરની બહારની દીવાલ તથા ગેટ સાથે અથડાયો હતો. અકસ્માત બાદ કુલ 39 લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જેમાંથી 12 લોકોના મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી 5 થી 6 લોકોની હાલત અત્યંત ગંભીર છે અને તેમના હાડકાં ભાંગી ગયાં છે, જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં ફરજ પર તૈનાત 2 પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.

ઘટના અંગે વિગતો આપતાં ગ્વાલિયરના કલેક્ટર રુચિકા ચૌહાણે જણાવ્યું કે અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક રાહત કામગીરી માટે એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો સ્થળ પર રવાના કરી દેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, “આજે વહેલી સવારે આશરે 1:30 વાગ્યે માહિતી મળી હતી કે છિનોર તરફથી મંદિર તરફ આવી રહેલો એક ટ્રક બેકાબૂ થઈને સતત ડાબી તરફ વળતો ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ રાહત વાહનો મોકલી દેવાયા હતા. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને 5 થી 6 દર્દીઓ ગંભીર રીતે ઘવાયેલા છે.”

કલેક્ટર ચૌહાણે વધુમાં સ્પષ્ટ કર્યું કે નવરાત્રી દરમિયાન માર્ગ પર મૂકવામાં આવેલા બેરિકેડ્સ અને પોલીસ ચેકપોઇન્ટ હોવા છતાં ટ્રક કેવી રીતે અંદર પ્રવેશ્યો તે અંગે ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. તેમણે ઉમેર્યું કે, “નવરાત્રી દરમિયાન તે રસ્તા પર પોલીસ ચોકી અને સ્ટોપર રાખવામાં આવ્યા હતા, તેથી વાહન અંદર કેવી રીતે ઘૂસી ગયું તે ઊંડી તપાસનો વિષય છે. ટ્રકની ટેકનિકલ તપાસ કરવા અને કઈ ખામીના કારણે તે ડાબી તરફ વળી ગયો તે જાણવા માટે આરટીઓ (RTO) ની ટીમને પણ મોકલવામાં આવી છે.” તેમણે એ બાબતની પણ ખાતરી આપી કે સારવાર હેઠળના દર્દીઓના સીટી સ્કેન અને એક્સ-રે સતત કરવામાં આવી રહ્યા છે જેથી તેમને યોગ્ય સારવાર મળી રહે.