બેંગલુરુઃ કર્ણાટકના બેંગલુરુમાં કોમર્શિયલ LPGની ભારે અછતને કારણે હડકંપ મચી ગયો છે. રાજ્યના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.
50,000ની માગ સામે માત્ર 1000 સિલિન્ડરનો સપ્લાય
મુખ્ય મંત્રીએ પોતાના પત્રમાં રાજ્યની ચિંતાજનક સ્થિતિ દર્શાવી છે. આંકડાઓ મુજબ બેંગલુરુ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં હોટેલ, રેસ્ટોરાં, કેટરિંગ સેવા અને પીજી આવાસોને રોજ લગભગ 50,000 કોમર્શિયલ સિલિન્ડરની જરૂર પડે છે, જ્યારે દરરોજ માત્ર 1000 સિલિન્ડરનો જ સપ્લાય થઈ રહી છે. ગેસ ન મળવાને કારણે નાના-મોટા અનેક વ્યાવસાયિક સંસ્થાઓ બંધ થવા લાગી છે, જેને CMએ “દૃશ્યમાન શટડાઉન” ગણાવ્યું છે.
સામાન્ય જનતા અને IT સેક્ટર પર મોટો પ્રભાવ
આ અછત માત્ર વેપારીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજના દરેક વર્ગને અસર કરી રહી છે. બેંગલુરુમાં લાખો વિદ્યાર્થી અને IT પ્રોફેશનલ્સ પીજી અને હોટેલના ભોજન પર નિર્ભર છે. ગેસની અછતને કારણે તેમની ભોજન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. CMએ “ઓટો LPG”ની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેને કારણે ઓટો રિક્ષાચાલકોની આવક પર અસર પડી રહી છે અને શહેરની કનેક્ટિવિટી પણ પ્રભાવિત થઈ રહી છે. ખેતી અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા એકમોને પણ ગેસ ન મળવાથી નુકસાન થઈ રહ્યું છે.
સિસ્ટમમાં ખામીને કારણે ગરબડ
સિદ્ધારમૈયાએ કેન્દ્રનું ધ્યાન એક મોટી ટેક્નિકલ ખામી તરફ દોર્યું. તેમણે જણાવ્યું હતું કે ઘરેલુ ગેસ સપ્લાય માટે જેમ પારદર્શક ડિજિટલ સિસ્ટમ છે, તેવી કોમર્શિયલ LPG માટે ઉપલબ્ધ નથી, જેને કારણે વિતરણમાં ગરબડ સર્જાઈ રહી છે. મુખ્ય મંત્રીના જણાવ્યાનુસાર ઘરેલુ સપ્લાયને પ્રાથમિકતા આપવાને કારણે કોમર્શિયલ ક્વોટામાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે હવે વેપાર માટે મુશ્કેલી બની રહ્યો છે.
મુખ્ય મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં બે LPG ટેન્કર કર્ણાટક પહોંચવાનાં છે, જેને કારણે સ્થિતિમાં થોડો સુધારો થઈ શકે છે. તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે બેંગલુરુની ઊંચી નિર્ભરતા ધ્યાનમાં રાખીને કર્ણાટકને પૂરતો એલપીજી ક્વોટો ફાળવવામાં આવે જેથી વેપાર અને જનજીવન ફરી સામાન્ય બની શકે.




