સાઉદી અરેબિયા પર હુથી વિદ્રોહીઓનો મોટો હુમલો

યમનના સશસ્ત્ર જૂથ હુથી વિદ્રોહીઓએ ફરી એકવાર સાઉદી અરેબિયા પર મોટા પાયે હવાઈ હુમલો કર્યાનો સનસનાટીભર્યો દાવો કર્યો છે. હુથી જૂથના સત્તાવાર નિવેદન અનુસાર, સાઉદી અરેબિયાના 5થી વધુ અતિ-મહત્વના વ્યૂહાત્મક, આર્થિક અને ઉર્જા મથકોને ડ્રોન અને મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, આ હુમલાઓ અંગે સાઉદી અરેબિયા સરકાર કે સૈન્ય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કયા મથકોને બનાવવામાં આવ્યા નિશાન?

હુથી વિદ્રોહીઓના દાવા મુજબ, તેમણે જે મુખ્ય સ્થળો પર હુમલા કર્યા છે તેમાં સાઉદી અરેબિયાની રાજધાનીનું મુખ્ય કિંગ ખાલીદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (રિયાધ) સામેલ છે. આ ઉપરાંત, રાતા સમુદ્રના કિનારે આવેલા મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર યાન્બુ સ્થિત સાઉદી અરામકો ફેસિલીટી અને રાબિખ ઓઇલ રિફાઇનરી પર પણ પ્રહાર કરાયા છે. અન્ય ટાર્ગેટ્સમાં દમ્મામનું કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, નજરાન એરપોર્ટ અને ખમીસ મુશૈત સ્થિત લશ્કરી એરબેઝનો સમાવેશ થાય છે. યાન્બુ અને રાબિખ સાઉદી અરેબિયાના મુખ્ય પેટ્રોકેમિકલ અને ઉર્જા સપ્લાય હબ માનવામાં આવે છે. આ વિસ્તારોમાં કોઈ પણ મોટા હુમલાથી વૈશ્વિક ઉર્જા પુરવઠા અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર ગંભીર અસર પડી શકે છે.

વૈશ્વિક ઉર્જા અને પ્રાદેશિક સુરક્ષા પર સંકટના વાદળો

છેલ્લા કેટલાક સમયથી હુથી જૂથ સાઉદીના એરપોર્ટ, સૈન્ય મથકો અને તેલ ક્ષેત્રોને સતત નિશાન બનાવી રહ્યું છે. બીજી તરફ, સાઉદીની આગેવાની હેઠળનું ગઠબંધન આ મિસાઇલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડવાનો દાવો કરતું આવ્યું છે. જો આજના હુમલાની સત્તાવાર પુષ્ટિ થશે તો મિડલ ઇસ્ટમાં ફરી એકવાર મોટો સૈન્ય સંઘર્ષ છેડાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

એર ઇન્ડિયાએ ફ્લાઇટ્સ રદ કરી: મુસાફરો માટે હેલ્પલાઇન જાહેર

ક્ષેત્રમાં સર્જાયેલી અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ભારતની ફ્લાઇટ ઓપરેટર એર ઇન્ડિયાએ સાઉદી અરેબિયા જતી પોતાની તમામ ઉડાન રદ કરી દીધી છે. એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરતા જણાવ્યું છે કે:

રિયાધ અને દમ્મામ: એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની રિયાધ અને દમ્મામ આવવા-જવાની તમામ ફ્લાઇટ્સ 7 November 2026 સુધી મુલતવી રહેશે.

જેદ્દાહ: જેદ્દાહ રૂટની ફ્લાઇટ્સ 31 October 2026 સુધી રદ કરવામાં આવી છે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે 24 October 2026 અથવા તે પહેલાં ટિકિટ બુક કરાવનાર મુસાફરો પોતાની યાત્રા રી-શેડ્યૂલ કરી શકે છે અથવા ટિકિટ રદ કરીને 100% રીફંડ મેળવી શકે છે.

મુસાફરો માટે હેલ્પલાઇન નંબર:

એર ઇન્ડિયા: +91 11 69329333 / +91 11 69329999

એર ઇન્ડિયા એક્સપ્રેસ: +91 124 6935600

હુથી વિદ્રોહી કોણ છે અને સાઉદી સાથે શા માટે છે વિવાદ?

હુથી એ યમનનું એક સશસ્ત્ર રાજકીય આંદોલન છે, જેને ‘અંસાર અલ્લાહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર યમન અને રાજધાની સના સહિત દેશના મોટા ભાગ પર તેમનું નિયંત્રણ છે. આ જૂથના ધાર્મિક મૂળ ઝૈદી શિયા સમુદાય સાથે જોડાયેલા છે. જોકે, સાઉદી અરેબિયા અને હુથી વચ્ચેનો વિવાદ માત્ર શિયા-સુન્ની ઘર્ષણ નથી, પરંતુ સત્તા, પ્રાદેશિક વર્ચસ્વ અને ક્ષેત્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. યમનમાં સાઉદી અરેબિયાના સૈન્ય હસ્તક્ષેપ અને આર્થિક પ્રતિબંધોના કારણે સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થયું હોવાનો આક્ષેપ હુથી વિદ્રોહીઓ લગાવે છે. બીજી તરફ, સાઉદી અરેબિયા આ જૂથને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો માને છે.

ઈરાનની ભૂમિકા

પશ્ચિમ એશિયાની ભૂરાજનીતિમાં ઈરાનને હુથી વિદ્રોહીઓનું મુખ્ય સમર્થક માનવામાં આવે છે. ઈરાન પર હુથી જૂથને આધુનિક શસ્ત્રો, મિસાઇલ ટેકનોલોજી અને તાલીમ પૂરી પાડવાનો આરોપ છે. જોકે, હુથી જૂથના પોતાના સ્થાનિક હિતો પણ છે. સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે આ પ્રદેશમાં દબદબો જાળવવાની જૂની સ્પર્ધા છે, જેના કારણે યમનનું ગૃહયુદ્ધ હવે સમગ્ર મિડલ ઇસ્ટની સુરક્ષા પર અસર કરી રહ્યું છે.