અમેરિકા સાથેના યુદ્ધથી ઈરાનને કેટલું નુકસાન? જાણો…

નવી દિલ્હીઃ અમેરિકા અને ઇઝરાયલ સાથે 45 દિવસ સુધી ચાલેલા યુદ્ધને કારણે ઈરાનને આર્થિક, વ્યૂહાત્મક અને સૈન્ય ક્ષેત્રે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. દેશની ઓઇલ રિફાઇનરીઓ, પરમાણુ કાર્યક્રમ, સૈન્ય મથકો, ઊર્જા માળખું અને પરિવહન નેટવર્કને ગંભીર નુકસાન થયું છે. લોકોનાં ઘરો, શાળાઓ અને હોસ્પિટલો પણ નષ્ટ થયાં છે. હુમલાઓથી પ્રભાવિત હજારો લોકો બેઘર અને બેરોજગાર બન્યા છે, જેને કારણે ઈરાનના અર્થતંત્ર પર ભારે દબાણ આવ્યું છે. અહેવાલ મુજબ હાલ કુલ નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, પરંતુ દેશને ફરી પહેલાંની ગતિએ પહોંચવા માટે ઓછામાં ઓછાં ત્રણથી પાંચ વર્ષ લાગી શકે છે.

યુદ્ધમાં કેટલા લોકોનાં મોત થયાં?

સંયુક્ત રાષ્ટ્રના ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની સત્તાવાર વેબસાઇટના જણાવ્યાનુસાર 28 ફેબ્રુઆરીથી 31 માર્ચ દરમિયાન 31,000થી વધુ નાગરિકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત 10,000થી વધુ મહિલાઓ, બાળકો અને પુરુષો ઘાયલ થયાં હતાં. અંદાજે 38 લાખ લોકો આ હુમલાઓથી પ્રભાવિત થયા છે.

ઈરાનને કેટલું આર્થિક નુકસાન થયું?

ઈરાન સરકારની પ્રવક્તા ફાતિમેહ મોહજેરાનીએ અલ જઝીરાના જણાવ્યા અનુસાર રશિયન સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્તીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછીથી ઈરાનને સીધા અને પરોક્ષ રીતે અંદાજે 270 અબજ ડોલરનું નુકસાન થયું છે. માર્ચના અંતે પર્શિયન નવા વર્ષની 40 દિવસની રજાઓ દરમિયાન એરલાઇન્સને લગભગ 300 ટ્રિલિયન રિયાલ (લગભગ 190 મિલિયન ડોલર)ની આવકનું નુકસાન થયું હતું. ઉપરાંત તહેરાન, તબ્રિઝ, ઉર્મિયા અને ખોરમાબાદ સહિતનાં અનેક આંતરરાષ્ટ્રીય એરપોર્ટને પણ ભારે નુકસાન થયું હતું. ઇન્ટરનેટ સેવાઓ બંધ થવાને કારણે લગભગ 90 મિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.

હોસ્પિટલો અને લાખો ઘરોને નુકસાન

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, યુદ્ધ દરમિયાન 1,15,193 રહેણાક એકમોને નુકસાન થયું હતું. ઉપરાંત 763 શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, દવાઓના કારખાનાઓ, દિવ્યાંગોની સંભાળ કેન્દ્રો, મેડિકલ ગોડાઉન, માનસિક આરોગ્ય સુવિધાઓ અને એરપોર્ટના માળખાને પણ નુકસાન થયું હતું.