કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર સત્તામાંથી બહાર થઈ ગઈ છે અને હવે રાજ્યમાં ભાજપની સરકાર છે. મમતા બેનર્જીના 15 વર્ષના શાસન દરમિયાન TMCએ મોટી માત્રામાં નાણાં એકત્રિત કર્યા હોવાનું તેના નાણાકીય વર્ષ 2024-25ની ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે.
31 માર્ચ, 2025 સુધીના આંકડા
આ ઓડિટ રિપોર્ટ 31 માર્ચ, 2025 સુધીની સંપત્તિ અને નાણાકીય સ્થિતિ દર્શાવે છે. તેમાં માર્ચ, 2026 પછીના કોઈ આંકડા સામેલ નથી. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં મમતા બેનર્જીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
બેંક ખાતાઓમાં કેટલા પૈસા?
TMCના બેંક ખાતાઓમાં કુલ રૂ. 625 કરોડ 79 લાખ 87 હજાર 264 જમા છે.
બેંકોમાં TMCની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તરીકે રૂ. 250 કરોડ 77 લાખ 28 હજાર 322 જમા છે.
આ રીતે બેંક બેલેન્સ અને FD મળીને TMC પાસે કુલ રૂ. 876 કરોડ 57 લાખ 15 હજાર 586ની રકમ છે.
રોકડ અને ચેક
ઓડિટ રિપોર્ટ અનુસાર
પાર્ટી પાસે રૂ. 50 કરોડના ચેક હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પાર્ટીના કેન્દ્રીય અને પ્રાદેશિક કચેરીઓમાં મળીને રૂ. 31 લાખ 28 હજાર 28 રોકડ રકમ ઉપલબ્ધ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

1998માં થઈ હતી TMCની સ્થાપના
મમતા બેનરજી દ્વારા 1 જાન્યુઆરી 1998એ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સ્થાપના કરવામાં આવી હતી. કોંગ્રેસથી અલગ થઈને તેમણે નવી પાર્ટી બનાવી હતી, જેને તૃણમૂલ કોંગ્રેસ નામ આપવામાં આવ્યું.
2011માં પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યાં
TMCએ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ઝડપથી પોતાની ઓળખ બનાવી હતી. 2011ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ડાબેરી મોરચાની સરકારને હરાવી સત્તા મેળવી હતી. તે સમયે મમતા બેનર્જી પ્રથમ વખત પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી બન્યાં હતાં.
હવે TMC સામે સંકટ
અહેવાલ અનુસાર 2026ની વિધાનસભા ચૂંટણીમાં TMCને હારનો સામનો કરવો પડ્યો છે અને હવે પાર્ટી વિપક્ષમાં છે. સાથે જ પાર્ટીમાં આંતરિક અસંતોષ અને બળવો વધ્યો હોવાનું કહેવામાં આવે છે. અનેક સાંસદો અને ધારાસભ્યો બળવાખોર બન્યા છે.






