દિવાળીમાં દીવડા ઝળહળે ને અંધકાર જાણે અજવાળા સામે ઘૂંટણિયે પડે, પણ આ જગતમાં કેટલાક દીવા એવા પણ છે, જેની વાટ કોઈ પૂજાની થાળીમાં નથી હોતી… એ તો કોઈના હૃદયમાં, કોઈના નિરાશ મનમાં, કોઈની એકલતામાં, કોઈની લાચારીમાં તો કોઈના જીવનસંઘર્ષની કાળી રાતમાં પ્રગટે છે!
એ કોઈના અંધકારભર્યા રસ્તે આશાનું એક નાનકડું કિરણ બનીને ઊભા રહે છે.
આ દિવાળીએ, વાત કરીએ આવા કેટલાક આવા દીવડાની, જેમણે પોતાની સંવેદનાના અજવાસથી બીજાનાં જીવનમાં ઉજાસ રેલાવ્યો છે… 
તહેવારોમાં બાળકોના હાથમાં નવાં કપડાંની થેલી હોય, દિવાળીના ફટાકડા ફોડવાનો ઉત્સાહ હોય અને ચહેરા પર ખુશી છલકાતી હોય… આ દૃશ્ય માત્ર તહેવારની ઉજવણી પૂરતું નથી રહેતું, પરંતુ કોઈના જીવનમાં ખુશીઓ વહેંચવાની લાગણીનું પ્રતીક બની જાય છે. સુરતનું મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ આવા જ પ્રયાસો દ્વારા જરૂરતમંદ બાળકોના ચહેરા પર સ્મિત રેલાવવાનું કામ કરે છે. દિવાળી હોય કે અન્ય કોઈ પ્રસંગ, શિક્ષણ હોય કે આરોગ્ય, રોજગાર હોય કે
ભોજનની વ્યવસ્થા, ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચે છે.
ટ્રસ્ટની સ્થાપના ૧૩ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ ૧૩ સેવાભાવી મિત્રોએ કરી હતી. આજે સંસ્થામાં અઢીસોથી વધુ સભ્યો જોડાયેલા છે. ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ ગોધાણી અને મંત્રી સતીશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ ખાસ કરીને આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં રહેતાં જરૂરિયાતમંદ બાળકો સુધી શિક્ષણ તેમ જ શૈક્ષણિક સામગ્રી પૂરી પાડે છે. આર્થિક મુશ્કેલીને કારણે કોઈ બાળકનો અભ્યાસ અટકી ન જાય એ માટે તેની શાળાની ફી ભરવામાં પણ મદદ કરવામાં આવે છે, જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન બાળકોને નવાં કપડાં અને ફટાકડા આપીને તેમની ખુશીમાં સહભાગી બનવામાં આવે છે. આ ઉપરાંત બાળકોનાં સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને કેટલીક આશ્રમશાળા તેમ જ શાળામાં દર રવિવારે પૌષ્ટિક આહાર પહોંચાડવામાં આવે છે.
ટ્રસ્ટની સેવાપ્રવૃત્તિમાં ભોજનવિતરણનું કાર્ય વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ કાર્ય પાછળ એક સરળ, છતાં વિચારવા મજબૂર કરી દે એવો વિચાર છેઃ પ્રસંગોમાં વધેલા ભોજનનો યોગ્ય ઉપયોગ થાય તો ભૂખ્યા લોકોને ભોજન પહોંચાડવામાં મોટો ફાળો આપી શકાય. શરૂઆતમાં ટ્રસ્ટના કાર્યકરો દર રવિવારે ભોજનની સીધી સામગ્રી પોતાનાં વાહનોમાં લઈને જરૂરતમંદો સુધી પહોંચાડતા હતા, પરંતુ કાર્યનો વ્યાપ વધતો ગયો એટલે ભોજનના સંગ્રહ અને પરિવહન માટે વાહનની જરૂરિયાત ઊભી થઈ. ૨૦૧૩માં ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ટ્રસ્ટને એક વૅન ભેટ આપી. ત્યાર બાદ ગયા વર્ષે લવજીભાઈ બાદશાહે બીજી વૅન આપીને આ સેવાકાર્યને વધુ ગતિ આપી. હવે આ બે વૅન શહેરમાં આયોજિત વિવિધ પ્રસંગોમાં વધેલું ભોજન ભેગું કરીને જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પહોંચાડે છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આશરે ૧૦ લાખ ભૂખ્યાજનો સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું છે.
આટલી વિવિધ સેવા પ્રવૃત્તિ માટે આર્થિક સંસાધનોની જરૂર પડે છે. ટ્રસ્ટના દરેક સભ્ય દર મહિને ૨૦૦થી ૧,૦૦૦ રૂપિયા સુધીનું યોગદાન આપે છે. આ ઉપરાંત સંસ્થાના સ્થાપના દિવસે નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવે છે, જેમાંથી એકત્ર થતી રકમ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવે છે.
ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી કહે છેઃ ‘સેવાકાર્યો માટે સંસાધનો ઉપરાંત બીજાની પીડા સમજતું સંવેદનશીલ મન જરૂરી છે. કોઈ બાળકને શિક્ષણ મળે, કોઈ મહિલાને રોજગારનું સાધન મળે, કોઈ વૃદ્ધને કરિયાણાની કિટ મળે કે કોઈ ભૂખ્યાને ભોજન મળે ત્યારે મદદનું મૂલ્ય માત્ર વસ્તુ પૂરતું સીમિત રહેતું નથી. એ વ્યક્તિના જીવનમાં આશા જગાવે છે.’
‘એક વ્યક્તિ આખી દુનિયા બદલી ન શકે, પરંતુ કોઈ એક વ્યક્તિની દુનિયા જરૂર બદલી શકે છે…’ મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટની સેવાયાત્રા આ જ વિચારને સાકાર કરવાનો પ્રયાસ છે. કોઈના ચહેરા પર સ્મિત રેલાવવું, કોઈની ભૂખ સંતોષવી, કોઈના જીવનમાં આત્મનિર્ભરતાનો દીવો પ્રગટાવવો…
(અરવિંદ ગોંડલિયા – સુરત)






