ઝાલમુરી મેં ખાધી, પરંતુ ઝાળ TMCને લાગીઃ PM મોદી

14

કોલકાતાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બંગાળમાં યોજાયેલી ચૂંટણી સભામાં જાહેરાત કરી હતી કે ચોથી મેએ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનાં ચૂંટણી પરિણામો જાહેર થશે ત્યારે મીઠાઈ સાથે ઝાલમુરી પણ વહેંચવામાં આવશે.

પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગર માં પીએમ મોદીએ કહ્યું હતું કે  થોડા દિવસ પહેલાં કેરલમ,આસામ અને પોંડિચેરીમાં પણ મતદાન પૂર્ણ થયું છે. ત્યાં પણ રેકોર્ડ મતદાન થયું છે. અગાઉ પણ આપણે જોયું છે કે દેશમાં જ્યાં-જ્યાં રેકોર્ડ મતદાન થયું છે, ત્યાં ભાજપ ને ભવ્ય જીત મળી છે. ચોથી મેએ બંગાળમાં પણ ભાજપની જીતનો જશ્ન થશે. મીઠાઈ પણ વહેંચાશે અને ઝાલમુરી પણ વહેંચાશે. મેં સાંભળ્યું છે કે ઝાલમુરીએ પણ કેટલાક લોકોને જોરદાર ઝટકો આપ્યો છે. ઝાલમુરી મેં ખાધી, પરંતુ ઝાળ TMCને લાગી છે.

TMCએ બંગાળની મહિલાઓનો હક છીનવી લીધો – PM મોદી

PM નરેન્દ્ર મોદીએ TMC પર જોરદાર પ્રહાર કરતાં કહ્યું હતું કે TMC અને આ તમામ પક્ષોનો મહિલાવિરોધી ચહેરો ફરી એક વાર સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં સંસદમાં જે કંઈ થયું, તે તમે બધાએ જોયું છે. ભાજપ સરકાર 2029ની લોકસભા ચૂંટણીથી મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવાનો પ્રસ્તાવ લઈને સંસદમાં આવી હતી, પરંતુ TMCએ તેના વિરુદ્ધ મતદાન કર્યું. TMCએ બંગાળની મહિલાઓનો હક છીનવી લીધો છે.

TMC ગુંડાઓને સંરક્ષણ આપી રહી છે – PM મોદી

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે મને બદલાવની એક લહેર મહિલાઓના નેતૃત્વમાં દેખાઈ રહી છે, કારણ કે આ અસંવેદનશીલ સરકારની સૌથી મોટી ભોગ બનેલી મહિલાઓ જ છે. RG કોલેજ  જેવી ઘટનાઓ દર્શાવે છે કે TMC બળાત્કારીઓ અને ગુંડાઓને સંરક્ષણ આપી રહી છે. અમારી માતાઓ અને દીકરીઓને જેમ પરેશાન કરવામાં આવી છે, તે મહિલાઓ ક્યારેય ભૂલશે નહીં.