કોલકાતાઃ મમતા બેનરજીએ ચૂંટણી પરિણામોને લઈને ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેમની પાર્ટી હારી નથી, પરંતુ હરાવવામાં આવી છે. તેમણે આરોપ મૂક્યો કે ચૂંટણી પંચે સમગ્ર ચૂંટણી દરમિયાન પક્ષપાતપૂર્ણ ભૂમિકા ભજવી અને આ સમગ્ર ઘટનાક્રમમાં ‘મુખ્ય વિલન’ તરીકે કામ કર્યું. તેમણે કહ્યું હતું કે હું હારી નથી અને હું રાજીનામું નહીં આપું. તેમણે કહ્યું હતું કે તેમના રાજકીય જીવનમાં તેમણે આવી ચૂંટણી ક્યારેય જોઈ નથી. તેમણે આરોપ મૂક્યો હતો કે SIR (Special Intensive Revision) ને નામે લગભગ 90 લાખ મતદારોનાં નામ કાપી નાખવામાં આવ્યાં અને ભાજપે ચૂંટણી જીતવા માટે દરેક પ્રકારનાં સંસાધનોનો ઉપયોગ કર્યો હતો.
લોકભવન જઈને રાજીનામું આપવા અંગે પુછાયેલા પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે હું લોકભવન જઈને રાજીનામું નહીં આપું. હું હારી નથી, અમને ષડયંત્ર કરીને હરાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે હવે તેમની પાસે કોઈ પદ નથી અને તેઓ એક સામાન્ય નાગરિક છે.
CRPF નો દુરુપયોગ થયો
તેમણે વધુમાં આરોપ મૂક્યો હતો કે કેન્દ્રીય દળો- ખાસ કરીને CRPFનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને રાજ્યના પોલીસ અધિકારીઓમાં મોટા પાયે બદલાવ કરવામાં આવ્યા હતા. બેનર્જીના જણાવ્યા મુજબ કેન્દ્રીય દળો ગુંડાઓની જેમ તહેનાત હતા અને અનેક સ્થળોએ મતદારો અને કાર્યકરોને ડરાવવામાં અને ધમકાવવામાં આવ્યા હતા.
તૃણમૂલ કોંગ્રેસપ્રમુખે દાવો કર્યો હતો કે તેમના કાર્યકરો અને તેમના પરિવારો પર અત્યાચાર કરવામાં આવ્યા હતા. કેટલાંક સ્થળોએ તો વૃદ્ધ લોકોને પાણી પીવા પણ દેવામાં આવ્યું નહોતું. તેમણે આરોપ મૂક્યો કે મતગણતરી કેન્દ્રોમાં ભાજપ કાર્યકરોએ મારામારી કરી અને TMC કાર્યકરોને ધમકાવ્યા હતા.

CEC પર મમતા બેનર્જીનો પ્રહાર
તેમણે કહ્યું હતું કે દુઃખની વાત છે કે મુખ્ય ચૂંટણી કમિશનર આ ચૂંટણીમાં લોકોના બંધારણીય અધિકારોને લૂંટનાર અને EVM સાથે ગેરરીતિ કરનાર વિલન બની ગયો છે. શું તમે મને કહી શકો કે મતદાન બાદ EVMમાં 80-90 ટકા ચાર્જ કેવી રીતે રહે છે? ચૂંટણી પહેલાં બે દિવસથી તેમણે અમારા લોકોની ધરપકડ શરૂ કરી અને દરેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.




