અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મંદિરની દીવાલ પર “I love Mohammad” લખતાં ટેન્શનનું વાતાવરણ ઊભું થયું છે. અલીગઢના લોઢા વિસ્તારમાં આવેલાં મંદિરોની દીવાલ પર અજાણ્યા તત્ત્વોએ આ લખાણ કરી દીધું હતું.
ઘટનાની વિગત
લોઢા વિસ્તારનાં બે ગામોમાં આવેલાં પાંચ મંદિરોની દીવાલો પર આઈ લવ મોહમ્મદ લખાયું હતું. જ્યારે શનિવારે સવારે ગામલોકોએ આ લખાણ જોયું, ત્યારે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો. કરણી સેના અને હિન્દુ સંગઠનો દ્વારા હંગામો કરવામાં આવ્યો અને આરોપીઓને તરત જ ધરપકડ કરવાની માગ થઈ હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને દીવાલ પરથી લખાણ દૂર કરાવ્યું.
પોલીસે જણાવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરશે, તેને છૂટ આપવામાં નહીં આવે. દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે.
કાનપુરથી શરૂઆત થયેલો વિવાદ
આ વિવાદની શરૂઆત ચોથી સપ્ટેમ્બરે કાનપુરના રાવતપુર વિસ્તારમાં બારાવફાત (ઈદ-એ-મિલાદ-ઉન-નબી)ના જુલૂસ દરમિયાન થઈ હતી. અહીં મુસ્લિમ સમાજના લોકોએ એક બેનર લગાવ્યું હતું જેમાં લખેલું હતું – “આઈ લવ મુહંમદ”. હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે જુલૂસમાં આ નવી પરંપરા શરૂ કરવામાં આવી રહી છે.
પોલીસે તરત જ કાર્યવાહી કરી અને કહ્યું કે સરકારના નિયમો મુજબ ધાર્મિક જુલૂસમાં કોઈ નવી રીતિ-રિવાજ કે પરંપરા ઉમેરવી શક્ય નથી. આ દરમ્યાન બંને સમુદાય વચ્ચે પોસ્ટર ફાડવાના આરોપો લાગ્યા અને વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.


