નવી દિલ્હીઃ મુંબઈમાં 26/11ના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કેટલાક વિસ્ફોટક ખુલાસા કર્યા છે. તેણે કબૂલ્યું છે કે તે પાકિસ્તાની સૈન્યનો વિશ્વસનીય એજન્ટ હતો અને 2008ના આતંકી હુમલાઓ દરમ્યાન તે મુંબઈમાં હાજર હતો. રાણાએ એ પણ સ્વીકાર્યું છે કે તેનો મિત્ર અને સહયોગી ડેવિડ હેડલી લશ્કર માટે ઘણી વખત તાલીમ લઈ ચૂક્યો હતો.
રાણાએ અધિકારીઓને કહ્યું કે મુંબઈમાં તેની કંપનીનું ઇમિગ્રેશન સેન્ટર શરૂ કરવાનો વિચાર તેનો પોતાનો હતો અને તેમાં જે નાણાકીય વ્યવહારો થયા હતા, તેને બિઝનેસ ખર્ચ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેણે એ પણ માન્યું હતું કે તે 26/11ના નરસંહાર દરમિયાન મુંબઈમાં હાજર હતો અને આતંકવાદીઓની યોજનાનો તે એક હિસ્સો હતો.
રાણાએ કહ્યું હતું કે તેણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવી જગ્યાઓની રેકી પણ કરી હતી. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે આ હુમલો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે મળીને કરવામાં આવ્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે ખાડી યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્યએ તેને સાઉદી અરેબિયામાં મોકલ્યો હતો.
રાણા મુંબઈ હુમલાની યોજના તૈયાર કરવામાં સામેલ હતો. તેણે હેડલીને વિઝા મેળવવામાં મદદ કરી હતી અને ખોટી ઓળખ બનાવી હતી જેથી હેડલી ભારતમાં આવી શકે.
મુંબઈ 26/11ના આતંકી હુમલાઓ 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમણે તાજ હોટેલ, ઓબેરોય હોટેલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ અને નરીમન હાઉસ જેવાં જાણીતાં સ્થળોને નિશાન બનાવ્યાં હતાં. આ હુમલામાં 166 નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં.


