એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ, પાયલટ સહિત 5 શહીદ

આસામ: જોરહાટના રૌરિયા ઇન્ડિયન એરબેઝ પર શનિવારે સવારે 10 વાગ્યે લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં દેશના પાંચ બહાદુર જવાન શહીદ થયા છે. જ્યારે કો-પાયલટ જીવિત બચ્યા છે, જેમને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. શહીદ જવાનોમાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીરવાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે. વાયુસેનાએ શહીદ જવાનોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ દુઃખની ઘડીમાં વાયુસેના પરિવાર શહીદોના પરિવારોની સાથે મક્કમતાથી ઊભો છે.

ઘટના કેવી રીતે બની?

પ્રાથમિક અહેવાલો અને વાયુસેનાના નિવેદન મુજબ, વિમાન જોરહાટ એરફિલ્ડ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. લેન્ડિંગ કર્યા બાદ વિમાનમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ એરબેઝ પર રહેલી ઇમરજન્સી અને ફાયરફાઇટિંગ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.

કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતીય વાયુસેનાએ આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ‘કોર્ટ ઓફ ઇન્ક્વાયરી’ના આદેશ આપ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું અને તે કેવી રીતે સર્જાયો, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને અત્યારે તપાસ પ્રક્રિયા ચાલી રહી છે.