બોલિવૂડમાં મારા પરિવારના અસ્તિત્વનો શ્રેય ધર્મેન્દ્રને આપું છું: ઇબ્રાહિમ અલી ખાન

મુંબઈ: સુપરસ્ટાર ધર્મેન્દ્રના અવસાનથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઘણા બોલિવૂડ સેલિબ્રિટીસ જેમણે અભિનેતાને તેમની અસાધારણ અભિનય કુશળતા અને એક સારા માણસ તરીકે જોયા હતા, તેમણે તેમના સંબંધિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શોક વ્યક્ત કર્યો છે અને શ્રદ્ધાંજલિ પણ આપી.

અભિનેતા ઇબ્રાહિમ અલી ખાને 2024માં રિલીઝ થયેલી ફિલ્મ રોકી ઔર રાનીમાં ધર્મેન્દ્ર સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું, તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ લખી. ઇબ્રાહિમ આ પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. યુવા અભિનેતાએ એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે તેમના માતા અને બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહે ફક્ત ધર્મેન્દ્રને કારણે જ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

તેમણે લખ્યું, “કેટલાક લોકો ફક્ત પડદા પર સ્ટાર નથી હોતા; તેઓ રિયલ લાઈફમાં પણ અનેક લોકોના જીવનનો માર્ગ બદલી નાખે છે.” સ્વર્ગસ્થ સુપરસ્ટારે ઇબ્રાહિમના માતાને અભિનયની દુનિયામાં કેવી રીતે પ્રવેશ કરાવ્યો તે અંગે પોસ્ટ લખી છે. ઇબ્રાહિમે લખ્યું, “ધરમજીએ મારા માતાને દિલ્હીમાં શોધી કાઢ્યા હતા, જ્યારે તેઓ માત્ર 16 વર્ષના હતા અને તેમની પહેલી ફિલ્મ બેતાબ માટે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો. જો તેઓ ન હોત, તો મારા માતાએ કદાચ ક્યારેય દિલ્હી છોડી ન હોત… અને કદાચ અમે અસ્તિત્વમાં પણ ન હોત.”

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan (@iak)

ઇબ્રાહિમ ખાન, અભિનેતા તરીકે તેમના પરિવારના અસ્તિત્વનો શ્રેય ધર્મેન્દ્રને આપતા લખ્યું, “અમારી આખી સફર, અમારો પરિવાર, આ ઉદ્યોગમાં અમારું સ્થાન, બધું તેમના કારણે શરૂ થયું. એક માણસ જેની દયાએ અમારા ભાગ્યને આકાર આપ્યો.” તેમણે આગળ લખ્યું, “ધરમજી, તમે કાતિલ રીતે સુંદર, ખૂબ જ મોહક અને ખરેખર હેન્ડસમ હતા. તમે મારી સાથે શેર કરેલી વાતો બદલ આભાર; હું મારા બાકીના જીવન માટે તમારા શબ્દોને હંમેશા યાદ રાખીશ. મારી સાંતવના સમગ્ર દેઓલ પરિવાર પ્રત્યે છે. આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ મળે.”

સુપરસ્ટારને અંતિમ વિદાય આપતા, ઇબ્રાહિમે લખ્યું, “શાંતિથી આરામ કરો, સાહેબ. તમે હંમેશા અમારા હ્રદયમાં જીવશો.”

ઇબ્રાહિમ અલી ખાનના માતા, અમૃતા સિંહે 1983માં ફિલ્મ “બેતાબ”થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રીએ ફિલ્મમાં ધર્મેન્દ્રના મોટા પુત્ર, સની દેઓલ સાથે અભિનય કર્યો હતો, જેમણે પણ આ જ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ દેઓલ પરિવારના હોમ બેનર વિજયતા ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી હતી. આ ફિલ્મ સુપરહિટ બની હતી.

સુપરસ્ટાર ધર્મેન્દ્રનું 24 નવેમ્બરના રોજ અવસાન થયું હતું.24 નવેમ્બરના રોજ બપોરે મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બોલિવૂડના ઘણા અગ્રણી હસ્તીઓએ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને બોલિવૂડના આ હિ-મેનને શ્રદ્ધાંજલિ આપી હતી.