નવી દિલ્હી: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ સપ્ટેમ્બર સત્રની ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓનાં પરિણામો જાહેર કર્યાં છે. ICAIએ સમયપત્રક પહેલાં જ પરિણામો જાહેર કર્યાં છે. એલ. રાજલક્ષ્મીએ ફાઉન્ડેશન પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે, નેહા ખાનવાનીએ ઇન્ટરમીડિયેટમાં અને મુકુંદ અગીવાલે ફાઇનલ પરીક્ષામાં સ્થાન મેળવ્યું છે. રાજકોટના ઉમેદવાર જિગર રાચ્છનો ફાઉન્ડેશનમાં ભારતમાં 20મો રેન્ક આવ્યો છે અને અમદાવાદની કૃતિ શર્માનો CA ઇન્ટરમીડિયેટમાં ભારતમાં સેકન્ડ રેન્ક આવ્યો છે. પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ icai.org, icai.nic.in અને caresults.icai.org પર જઈને તેમનાં પરિણામો ચકાસી શકે છે.
બંને ગ્રુપનું 16.23 ટકા પરિણામ
ફાઈનલ એક્ઝામિનેશનનાં બંને ગ્રુપનું 16.23 ટકા પરિણામ આવ્યું છે. 16,800માંથી 2,727 ઉમેદવાર પાસ થયા છે. ઇન્ટરમીડિયેટ એક્ઝામનાં બંને ગ્રુપનું 10.06 ટકા પરિણામ આવ્યું છે, જેમાં 36,398માંથી 3,663 ઉમેદવાર પાસ થયા છે. ફાઉન્ડેશન એક્ઝામનું 14.78 ટકા પરિણામ જાહેર કરાયું છે, જેમાં 98,827માંથી 14,609 ઉમેદવાર પાસ થયા છે. રાજકોટના ઉમેદવાર જિગર રાચ્છનો ભારતમાં 20મો રેન્ક આવ્યો છે. CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદના 6 ઉમેદવારોનો ટોપ 50માં સમાવેશ થયો છે. તેમજ CA ફાઈનલમાં ટોપ 50માં અમદાવાદના 5 ઉમેદવારનો સમાવેશ થયો છે. અમદાવાદની કૃતિ શર્માનો CA ઇન્ટરમીડિયેટમાં ભારતમાં રેન્ક 2 આવ્યો છે.
આ ઉપરાંત જાન્યુઆરી 2026 સત્ર માટેની રજિસ્ટ્રેશન જાહેરાત પણ ICAI દ્વારા કરી દેવામાં આવી છે. ઈચ્છુક વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ માટે 3 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ પરીક્ષાઓનું આયોજન 5 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે.


