ICCRના સ્ટુડન્ટ વિઝિટર પ્રોગ્રામથી ભારત-થાઈલેન્ડ-મંગોલિયાના સાંસ્કૃતિક સંબંધો મજબૂત

નવી દિલ્હી: ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક તથા શૈક્ષણિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં થાઈલેન્ડ અને મંગોલિયાથી આવેલા વિદ્યાર્થીઓ અને અતિથિઓ માટે ICCRનો સ્ટુડન્ટ વિઝિટર પ્રોગ્રામ યોજાયો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદેશી વિદ્યાર્થીઓને ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ, પરંપરાઓ, શિક્ષણ વ્યવસ્થા અને આધુનિક વિકાસથી પરિચિત કરાવવાનો છે. તેના માધ્યમથી વિદેશી વિદ્યાર્થીઓને ભારતને નજીકથી સમજવા અને ભારતીય નાગરિકો સાથે જોડાવાની તક મળે છે.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો અને સામાજિક જીવન જાણવા મળ્યું હતું. આ પ્રકારના આયોજનો વિવિધ દેશોના યુવાનો વચ્ચે પરસ્પર સમજ, મૈત્રી અને સહકારને પ્રોત્સાહન આપે છે.

ICCRના મહાનિદેશક નંદિની સિંગલાએ જણાવ્યું હતું કે, “ભારત માને છે કે સાંસ્કૃતિક સંબંધોની શરૂઆત લોકોના પરસ્પર જોડાણથી થાય છે. જ્યારે અન્ય દેશોના યુવાનો ભારત આવે છે, અહીંની સંસ્કૃતિ અને વિવિધતાને સમજે છે અને ભારતીય લોકોને મળે છે, ત્યારે તેઓ પોતાના દેશમાં ભારતના મિત્ર અને સાંસ્કૃતિક દૂત બનીને પાછા ફરે છે. આવા કાર્યક્રમો દેશો વચ્ચે લાંબા સમય સુધી ટકી રહે તેવા મૈત્રીપૂર્ણ સંબંધોનું નિર્માણ કરે છે.”ICCRના અધિક મહાનિદેશક ડૉ. રાજેશ રંજને જણાવ્યું હતું કે, “યુવા વિદ્યાર્થીઓ વિવિધ દેશો અને સંસ્કૃતિઓને જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમારો પ્રયાસ છે કે વિદેશી વિદ્યાર્થીઓ ભારતની જ્ઞાન પરંપરા, સાંસ્કૃતિક વારસો, લોકતાંત્રિક મૂલ્યો અને આધુનિક વિકાસને નજીકથી સમજે. અહીં બનેલા મૈત્રીના સંબંધો ભવિષ્યમાં ભારત અને તેમના દેશો વચ્ચેના સહકારને વધુ મજબૂત બનાવશે.”

થાઈલેન્ડ અને મંગોલિયાના વિદ્યાર્થીઓની સહભાગીતા ભારતના આ દેશો સાથે વધતા સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધોને દર્શાવે છે. વિદેશ મંત્રાલય હેઠળ કાર્યરત ICCR વિદેશી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, સાંસ્કૃ તિક આદાન-પ્રદાન અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિશ્વભરમાં ભારતની સંસ્કૃતિ અને મિત્રતાનો સંદેશ પહોંચાડી રહી છે.