56 ઇંચવાળાને ઝૂક્યા તો 56 સીટવાળાને પણ ઝૂકવું પડશે: વિદ્યાર્થી આંદોલન

રાંચીઃ નીટ પેપર લીક વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલું કોક્રોચ જનતા પાર્ટીનું આંદોલન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી ખતમ થયું હતું, પરંતુ ત્યાર બાદ ઝારખંડમાં JPSC પેપર લીક મુદ્દે આવું જ એક મોટું આંદોલન ઊભું થયું છે. રાંચીના જયપાલ સિંહ મુન્ડા સ્ટેડિયમ બહાર પ્રદર્શનકારીઓની ભીડ સતત વધી રહી છે. વિદ્યાર્થીઓનું આ પ્રદર્શન સરકાર વિરુદ્ધ છે. JPSCમાં પેપર લીક અને ગેરરીતિઓના આરોપોને લઈને સરકાર તરફથી આપવામાં આવેલા જવાબોથી વિદ્યાર્થીઓને સંતોષ નથી.

રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ એકત્ર થઈ રહ્યા છે

ઝારખંડ લોક સેવા આયોગ (JPSC)માં ગેરરીતિ અને પેપર લીકના આરોપોને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે, જે આગામી દિવસોમાં સરકાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વિદ્યાર્થીઓ JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ, પરીક્ષાપ્રક્રિયામાં વિલંબ અને ભરતી પ્રણાલીમાં પારદર્શિતાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે, જ્યાં જયપાલ સિંહ મુન્ડા સ્ટેડિયમ બહાર રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ ભેગા થવા લાગ્યા છે અને લગભગ 5000થી વધુ વિદ્યાર્થીઓ રાંચીમાં એકત્ર થયા છે.

આ પ્રદર્શન હવે મોટા વિદ્યાર્થી આંદોલનમાં બદલાઈ ગયું છે

પ્રદર્શન સ્થળે કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે નીટ વિરોધ પ્રદર્શનથી પ્રેરાઈને એક નાની બેઠકથી શરૂ થયેલું આ પ્રદર્શન હવે એક વિશાળ વિદ્યાર્થી આંદોલનમાં પરિવર્તિત થઈ ગયું છે, જેને રાજકીય પક્ષો અને નાગરિક સમાજનાં વિવિધ જૂથોનું પણ સમર્થન મળી રહ્યું છે.

આંદોલન માટે નાણાં એકત્ર કરવામાં આવી રહ્યા છે

દેવાશિષે જણાવ્યું કે હજારીબાગમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે અને છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓના આંદોલન માટે નાણાં એકત્ર કરવામાં આવી રહ્યા છે.

56 સીટ વાળાને પણ ઝૂકવું પડશે

પ્રદર્શન સ્થળે આવેલા વિદ્યાર્થીઓ હાસ્ય અને વ્યંગથી ભરેલાં પોસ્ટરો સાથે પણ જોવા મળ્યાં હતાં. એક બેનર પર JPSCને મજાકમાં “ઝોલ-ઝાલ પબ્લિક સર્વિસ કમિશન” તરીકે દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે બીજા બેનર પર NEET વિરોધ પ્રદર્શનની સફળતાનો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું હતું કે જ્યારે કેન્દ્રમાં 56 ઇંચ વાળાને ઝૂકવું પડ્યું, ત્યારે રાજ્યમાં 56 સીટવાળાને પણ ઝૂકવું પડશે.