જો ભાજપ ફરી સત્તામાં આવશે તો UPમાં UCC લાગુ કરાશેઃ અમિત શાહ

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે અનેક રાજ્યોમાં UCC લાગુ થઈ ચૂક્યું છે. જો ભાજપ આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ફરી સત્તામાં આવશે તો ઉત્તર પ્રદેશમાં પણ સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. લખનઉમાં આખો દિવસ ચાલેલી ઉત્તર પ્રદેશ ભાજપની રાજ્ય કાર્યસમિતિની બેઠકમાં પાર્ટીના નેતાઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે આ વખતે જ્યારે અમારી સરકાર સત્તામાં આવશે, ત્યારે ઉત્તર પ્રદેશમાં UCC લાગુ કરવામાં આવશે. અનેક રાજ્યોમાં UCC પહેલેથી જ લાગુ થઈ ચૂક્યું છે. જો તમે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બનાવશો તો અમે અહીં UCC લાગુ કરીશું.

આ પહેલાં ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીએ આગામી વિધાનસભા ચૂંટણીને ‘વિનાશ વિરુદ્ધ વિકાસ’ અને ‘જાતિવાદ વિરુદ્ધ રાષ્ટ્રવાદ’ વચ્ચેની નિર્ણાયક લડાઈ ગણાવી હતી. ચૌધરીએ પાર્ટીના કાર્યકરો અને સહયોગીઓને રક્ષણાત્મક વલણ ન અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે વિપક્ષના આરોપોનો જવાબ તથ્યો અને નક્કર પુરાવા સાથે આપવો જોઈએ.ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આગામી વ્યૂહરચના અને આયોજન તૈયાર કરવા માટે આખા દિવસના આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીમંડળ, ભાજપના પ્રદેશ પદાધિકારીઓ તેમ જ પાર્ટીની પ્રાદેશિક અને જિલ્લા એકમોના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. શાહ આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે વિપક્ષ પાસે ન તો કોઈ નીતિ છે, ન નિયત અને ન તો કોઈ નેતા છે. બેઠક શરૂ થાય તે પહેલાં જ ઉપસ્થિત લોકોમાં તેમના ભાષણની નકલો વહેંચવામાં આવી હતી. ભાષણમાં કહેવામાં આવ્યું હતું કે તથ્યો, નીતિઓ અને જનહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાને બદલે વિપક્ષ હાલમાં લોકોમાં ભ્રમ ફેલાવવા, પાયાવિહોણા આરોપો લગાવવા અને અસંસદીય ભાષાનો ઉપયોગ કરવામાં વ્યસ્ત છે. ચૌધરીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાનના પિતા માટે અત્યંત વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ જ તેમનો અસલી ચહેરો છે. સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને અન્ય પક્ષોનું રાજકારણ નકારાત્મક આરોપો પર આધારિત છે.